રાજ્યમાં 25 નવા પોઝિટિવ કેસ: 23 અમદાવાદના

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધતા ચોક્કસ પણ ચિતાનો માહોલ સર્જાયો છે. લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, તે છતા પણ કેટલાય લોકો કારણ વગર અને કામ વગર ઘરની બહાર નિકળતા હોય છે જે ખરેખર તેમના માટે તેમના પરિવાર માટે અને સમાજના તમામ લોકો માટે ખતરનાક છે. કારણ કે કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો રોગ છે. અને જો આવા સમયમાં સાવધાની રાખવામાં ન આવે તો ખરેખર ગંભીર નહી અતીશય ભયાનક પરિણામો ભોગવવા પડે તેવી સ્થિતિ સર્જાય. વાત કરીએ ગુજરાતના કોરોના વાયરસના આંકડાઓની.

આજે સવારે 11.00 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના વધુ 25 નવા સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. આ 25 નવા કેસમાંથી 23 તો માત્ર અમદાવાદના જ છે. રાજ્યમાં ગઈકાલે મોડી રાત્રે કોરોના વાયરસના કારણે અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે સૌથી ગંભીર સ્થિતિ અમદાવાદની છે. રાજ્યમાં 266 સંક્રમિતો સાથે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે રાજ્યમાં કુલ 493 દર્દીઓ સંક્રમિત થયા છે. કોરોના વાયરસના કારણે રાજ્યના જુદા જુદા જિલ્લામાં ટેસ્ટીંગ થઈ રહ્યું છે. અમદાવાદમાં એક મોત થતા રાજ્યમાં કોરોના વાયરસના કારણે 23 લોકોનાં મૃત્યુ થયા છે. આ મૃતકોમાં વિદેશથી આવેલા ત્રણ લોકોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 493 દર્દીઓ પૈકીના 44 દર્દી સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો નથી. રાજ્યમાં અમદાવાદ બાદ વડોદરામાં 95 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. સુરતમાં 28 દર્દી, ભાવનગરમાં 23 દર્દી, તેમજ સુરતમાં 28 દર્દી નોંધાયા છે.

અમદાવાદમાં બહેરામપુરા, દાણીલીમડા, કાલુપુર, ઘોડાસર, મણિનગર, જમાલપુર અને રાણીપમાં કુલ 23 જેટલા કેસ નોંધાયા છે. 10994 જેટલા ટેસ્ટ અત્યાર સુધી કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2663 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2486 કેસ નેગેટિવ આવ્યા છે. જેમાં 61 કેસ પોઝિટિવ નોંધાયા છે. 116 રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.