ચંદ્રમા પર પહોંચનાર દેશ આજે કોરોના સામે લાચાર છે

મુંબઇઃ અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસા વર્ષ 2024માં ચંદ્રમા પર માનવને ઉતારીને ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા માંગે છે. એ માટે નાસાએ ઘણી તૈયારીઓ પણ કરી લીધી છે. ચંદ્રમા પર માનવ વસવાટ કેવો થશે? ત્યાં રહેવામાં કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડશે? આ બધા પ્રશ્નોનો વિચાર કરીને એના ઉકેલ પણ એણે શોધી રાખ્યાં છે. આટલી બધી પૂર્વ તૈયારી રાખનાર અમેરિકા આજના કોરોના સંકટ આગળ સાવ લાચાર બની ગયું છે!

વર્તમાન સમયમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા એકલા અમેરિકામાં જ સહુથી વધુ છે. મોટી સંખ્યામાં આ વાયરસ અહીંના લોકોમાં ફેલાયો છે. તાજેતરના કોરોના દર્દીઓની સંખ્યા 3,36,851થી વધુ છે. જેમાં અત્યાર સુધીમાં 16,500 જેટલાં લોકોના જીવ ગયા છે. 18,000 દર્દી સાજા થયા છે. તો 8,702 જેટલાં દર્દીની સ્થિતિ ગંભીર છે.

અમેરિકાનું ન્યુયોર્ક શહેર કોરોના વાયરસથી વધુ પ્રભાવિત છે. ત્યાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1,23,018 થી વધુ થઈ ગઈ છે. ફક્ત ન્યુયોર્કમાં જ કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા 7,000 સુધી પહોંચી ગઈ છે. દિવસ-રાત ચમક-દમકમાં રહેતું આ શહેર સાવ સૂનું થઈ ગયું છે. 9/11 હુમલા વખતે વ્યાપેલી શૂન્યતા આજના સમયમાં ફરી દેખાવા લાગી છે. ત્યાં લૉકડાઉન ચાલુ છે. સરકાર લોકોને દિવસ-રાત મોઢાં પર માસ્ક પહેરવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સ પાળવાનું કહી રહી છે.

નાસા અંતરીક્ષયાત્રીઓને અવકાશમાં મોકલવાનું કામ કરે છે. અંતરીક્ષયાત્રીઓને અવકાશમાં મોકલવા ઉપરાંત ત્યાં તે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તેમજ ત્યાં માટે જરૂરી દરેક બાબતોનું ધ્યાન રાખીને એ પ્રમાણેની વ્યવસ્થા પણ કરે છે. અમેરિકા બધી બાબતોમાં આગળ હોવા છતાં કોરોના વાયરસને કાબૂમાં નથી લાવી શક્યું કે, આ વાઇરસને નાથવાનો કોઈ ઉપાય શોધી નથી શક્યું એ બહુ વિચારવા જેવી વાત છે!

જો કે, ભારતમાં મલેરિયાના ઈલાજ માટે વપરાતી દવા Hydroxychloroquineનો પુરવઠો પોતાના દેશ માટે તાત્કાલિક મોકલી આપવાની વિનંતી અમેરિકાએ પીએમ મોદીને કરી છે. કેમ કે, અમેરિકામાં આ દવાનો પ્રારંભિક તબક્કે કોરોનાના દર્દીઓ પર કરવામાં આવતો ઉપચાર ઘણું સારૂ પરિણામ આપી રહ્યો છે. ભારતે પણ માનવતાની રાહે આ દવા અમેરિકા મોકલી આપી છે.

ઇન શોર્ટ, અમેરિકા ચંદ્ર પર પહોંચ્યો છે, પણ કોરોનાને નાથવાના ઉપાય સુધી હજુ પહોંચી શક્યો નથી.