અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં રોજેરોજ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વણસેલી પરિસ્થિતિને ધ્યાને રાખતા આવતી 15 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આમાં માત્ર દૂધ અને દવાઓ જ મળશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 380 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. તો 28 જેટલા લોકોના મોત થયા છે. જેમાંથી 15 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે. જ્યારે અન્ય 13 લોકોને અન્ય બીમારીઓ પણ હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1500 લોકો સાજા થયા છે. આજે 119 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસ 6625 થયા છે. જ્યારે કોરોનાને કારણે કુલ 396 લોકોનાં મોત નિપજ્યા છે.
આજે નવા નોંધાયેલ 380 કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 291, વડોદરામાં 16, સુરત 31, ભાવનગર 6, ગાંધીનગર 4, પંચમહાલ 2, બનાસકાંઠા 15, બોટાદ 7, દાહોદ-મહીસાગરમાં 2-2 કેસ, તેમજ આણંદ-ખેડા-જામનગર-સાબરકાંઠામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતા.