ગાંધીનગર: આણંદ જિલ્લાના ખંભાત ખાતે ૨૩ ફેબ્રુઆરીના રોજ બે જુથ વચ્ચે જુથ અથડામણ થતા પથ્થરમારો અને આગચાંપવાના બનાવો બન્યા હતા. ઘટનાની જાણકારીની સાથે જ ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરાઇ હતી. અને તોફાનોને કાબૂમાં લેવાયા હતા. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, તોફાનોમાં સંડોવાયેલા કોઇપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને તોફાની તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, રાજ્યના ડી.જી.પી. અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠક બાદ લેવાયેલ નિર્ણયની વિગતો આપતા જાડેજાએ ઉમેર્યું કે, ખંભાત શહેર વિસ્તારમાં અશાંત ધારાનો અમલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ખંભાત શહેરની ઘટનાને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે ત્યારે કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ દ્વારા ગુજરાતનું વાતાવરણ અશાંત થાય તેવા પ્રયત્નો કરે છે. ત્યારે શહેરના નાગરિકો પણ શાંતિ થકી ભાઇચારાની ભાવના જાળવી રાખે તે માટે તેમણે અપીલ કરી છે.
આ સાથે ખંભાત શહેરમાં પાંચ એસ.આર.પી.ની કંપનીઓ, બે રેપીડેક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખંભાતની ઘટનાના પડઘા અન્ય જગ્યાએ ન પડે તે માટે રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝાને ખંભાત જવા રવાના કરી દેવાયા છે. ખંભાતના એસ.પી. રજા પર હોઇ, અમદાવાદ શહેરના ડી.સી.પી. ટ્રાફિક અજીત રાજીયાનને આણંદ જિલ્લાના એસ.પી. તરીકે નિમણુંક કરી દેવાઇ છે તથા ખંભાતના ડી.વાય.એસ.પી. તરીકે ભારતીબેન પંડ્યાની પણ નિમણૂંક કરી દેવાઇ છે. ઉપરાંત પી.એસ.આઇ અને પી.આઇ.ની બદલી કરી દેવાઇ.
ખંભાત શહેરમાં થયેલા તોફાનો સંદર્ભે સી.સી.ટી.વી.ના ફૂટેજ ચકાસીને કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ચાર બનાવોમાં ગુના નોંધીને ૪૭ જેટલા તોફાની તત્વોની ધરપકડ પણ કરી દેવાઇ છે. ઉપરાંત સમગ્ર શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં કોમ્બીંગની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ છે. જે તોફાની તત્વોએ ખંભાતના વિવિધ વિસ્તારોમાં ષડયંત્ર રચીને શાંતિ હણવાનો જે હિન પ્રયાસ કર્યો છે, તેને સહેજ પણ ચલાવી લેવાશે નહી. આજે ખંભાત શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, તેઓને પણ શાંતિ જાળવવા અપીલ કરાઇ હતી.