રાધનપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા

ગાંધીનગર – ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકોની આગામી પેટા-ચૂંટણી માટે તેના છ ઉમેદવારોના નામ ઘોષિત કર્યા છે.

કોંગ્રેસ છોડીને આ વર્ષના જુલાઈમાં ભાજપમાં જોડાઈ ગયેલા અલ્પેશ ઠાકોરને ભાજપે રાધનપુર બેઠક માટે તેના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે.

ઠાકોર ઉપરાંત જીવરાજભાઈ જગતભાઈ પટેલ થરાદમાંથી પેટા-ચૂંટણી લડશે જ્યારે અજમલભાઈ વાલજી ઠાકોર ખેરાલુમાંથી, ધવલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા બાયડમાંથી, જગદીશભાઈ પટેલ અમરાઈવાડીમાંથી અને જીજ્ઞેશ સેવક લુણાવાડામાંથી ચૂંટણી લડશે.

પેટા ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરે રજૂ કરાશે.

અલ્પેશ ઠાકોર 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુર બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, પણ ભાજપમાં જોડાવા માટે એમણે વિધાનસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. હવે એ આ જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

૧૮૨ બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં ૧૦૪ સીટ હાલ ભાજપ પાસે છે.

કૉંગ્રેસના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોરની જેમ ધવલસિંહ ઝાલાએ પણ કૉંગ્રેસ છોડી દીધી છે અને ભાજપમાં જોડાઈ ગયા.

પટેલ અનામત આંદોલન અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર સામે પ્રચાર કરવા માટે તૈયાર છે. એમણે કહ્યું, હજી સુધી પાર્ટી તરફથી કોઈ પ્લાન આવ્યો નથી, પરંતુ જો રાધનપુરમાં જઈને અલ્પેશ ઠાકોરની વિરુદ્ધ ચૂંટણી માટે કામ કરવાનું આવશે તો હું બિલકુલ કરીશ.