ગુજરાત બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો ૧૧ માર્ચ સોમવારની સવારથી પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રો પર નિયત સમય કરતાં વહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓના ટોળાં ઊમટી પડ્યાં હતાં. અવ્યવસ્થાના ફેલાય અને સુરક્ષા હેતુથી નક્કી કરેલા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  પરીક્ષાના પ્રથમ દિવસે ક્લાસમાં જતાં પહેલાં તમામ વિદ્યાર્થીઓને પર્સ, મોબાઇલ, બુક્સ, સ્માર્ટ વોચ અને બૂટ-મોજાં સહિતની ચીજવસ્તુઓ બહાર મુકાવી દેવામાં આવી હતી.

શાળાના સંચાલકો, સુપરવાઈઝર, શિક્ષણ અધિકારીઓ પરીક્ષામાં ગેરરીતિઓ ના થાય એ માટે વ્યક્તિગત અને CCTVની મદદથી સતત નજર રાખી રહ્યા છે. શહેરની ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓમાં સકારાત્મક વાતાવરણ ઊભું થાય એ માટે તિલકથી વધાવવામાં આવ્યા. આ સાથે સરસ્વતી વંદના કરવામાં આવી હતી અને વિદ્યાર્થીને પુષ્પ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની સરળતા-સગવડ માટે તમામ સ્ટાફ ખડે પગે ઊભો રહ્યો હતો. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ના રહે એ માટે આવકારવા માટેના શાળાઓએ જુદા-જુદા કાર્યક્રમ યોજ્યા હતા.

આ વર્ષે ગુજરાત રાજ્ય બોર્ડની પરીક્ષામાં ધોરણ દશમાં ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થીઓ, ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિધાર્થી, ધોરણ બાર સાયન્સમાં ૧.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ગુજરાત રાજ્યનાં ૧૬૩૪ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં ૬૭,૦૦૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. જેલનાં કેન્દ્રોમાંથી ૧૩૦ જેટલા કેદીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે ૮૫ સ્ક્વોડ સાથે વર્ગ ૧-૨ના ૧૫૦૦  સાથે ૮૦,૦૦૦ જેટલા અધિકારી, કર્મચારીઓનો સ્ટાફ જોડાશે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)