ગુજરાત બોર્ડના 10મા ધોરણનું પરિણામ જાહેર; 60.64% વિદ્યાર્થીઓ પાસ

અમદાવાદઃ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)એ 10મા ધોરણની પરીક્ષાનું પરિણામ તેની સત્તાવાર વેબસાઇટ પર આજે જાહેર કર્યું છે. બોર્ડ દ્વારા આ પરિણામો તેની સત્તાવાર વેબસાઇટ http://www.gseb.org/  પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યાં હતાં. આ વર્ષે 10મા ધોરણનાં પરિણામો 60.64 ટકા આવ્યાં હતાં, જે 2019ની કુલનાએ 6.33 ટકા નીચાં છે. વળી, આ વર્ષે 90 ટકા કે તેથી વધુ ટકા લાવનારા વિદ્યાર્થીઓની સખ્યા પણ નોંધપાત્ર રીતે ઓછી છે. આ વર્ષે 90 ટકા લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1671 છે, જે ગયા વર્ષના 3303 વિદ્યાર્થીઓની સરખામણીએ ઘણી ઓછી છે.

બોર્ડની નીતિ મુજબ દરેક વિદ્યાર્થીએ દરેક વિષયમાં D સ્કોર કરવો આવશ્યક છે. જો કોઈ કેસમાં તે-તેણી કોઈ વિષયમાં E સ્કોર કરે તો તેણે પૂરક પરીક્ષા આપવાની રહેશે. આ વિદ્યાર્થીને જુલાઈમાં થનારી રિ-ટેસ્ટમાં પરીક્ષા આપવા દેવાશે. આ પૂરક પરીક્ષાની જાહેરાત પરિણામો સાથે થઈ ગઈ છે. GSEBએ હાલમાં જ 12મા સાયન્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું હતું.

10મા ધોરણમાં 10.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

આ વર્ષે આશરે 10.83 લાખ વિદ્યાર્થીઓએ 10મા ધોરણની પરીક્ષા આપી હતી. આ વર્ષે 10મા ધોરણની પરીક્ષા કોવિડ-19ને કારણે લોકડાઉનના થોડા સમય પહેલાં જ પૂરી થઈ હતી. દેશમાં લોકડાઉનનો પહેલો તબક્કો 25 માર્ચ, 2020એ શરૂ થયો હતો. ગયા વર્ષ 2019માં 10મા ધોરણનાં પરિણામો 67 ટકા આવ્યાં હતા, જે 2018ની તુલનાએ 0.53 ટકા ઘટ્યાં હતા. અંગ્રેજી મિડિયમના વિદ્યાર્થીઓની અન્ય ભાષાના વિદ્યાર્થીઓ કરતાં પાસ થવાની ટકાવારી વધુ હતી. ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓની તુલનાએ અંગ્રેજી મિડિયમના વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 23.53 ટકા ઊંચી હતી.

કોવિડ-19ને લીધે પરિણામો 15 દિવસ મોડાં જાહેર

ગુજરાત બોર્ડન  પેપર તપાસવાની કામગીરી લોકડાઉનને કારણે ખોરંભે ચઢી હતી, પણ સરકારે 26 એપ્રિલથી બોર્ડને પેપર તપાસવાના નિર્દેશ આપ્યા હતા. બોર્ડે 15000 શિક્ષકોને પેપર તપાસવાની કામગીરીમાં લગાડ્યા હતા. 10મા ધોરણનાં પરિણામો કોવિડ-19 રોગચાળાને કારણે 15 દિવસ મોડાં જાહેર થયાં હતા.