કચ્છમાં દલિત-પરિવાર પર હુમલોઃ 20-હુમલાખોરો સામે પોલીસ-FIR

ગાંધીધામઃ કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીકના ગામમાં એક મંદિરમાં ગયેલા દલિત સમુદાયના એક પરિવારના 6 સભ્યો પર આશરે 20 જણના ટોળાએ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. તે ઘટના 26 ઓક્ટોબરે ભચાઉ તાલુકાના નેર ગામે બની હતી.

તે કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી, પરંતુ બે પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે. એક એફઆઈઆર ગોવિંદ વાઘેલાએ અને બીજી એમના પિતા જગાભાઈએ નોંધાવી છે. આ પિતા-પુત્રનો દાવો છે કે આશરે 20 જણે એમની પર હુમલો કર્યો હતો. કચ્છના નાયબ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ કિશોરસિંહ ઝાલાનું કહેવું છે કે અમે ગુનેગારોને પકડવા માટે આઠ ટીમ તૈયાર કરી છે. અનુસૂચિત જાતિ/જનજાતિઓ પર અત્યાચાર પ્રતિરોધક કાયદાની સંબંધિત કલમો અંતર્ગત કાના આહિર, રાજેશ મહારાજ, કેસરા રબાઈ, પબા રબારી, કાના કોલી સહિત 20 જણના ટોળા સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, હુમલો કરવાના આરોપ મૂકવામાં આવ્યા છે. એફઆઈઆર અનુસાર, નેર ગામના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચાલુ હતી ત્યારે ગોવિંદ વાઘેલા અને એમનો પરિવાર દર્શન કરવા પહોંચતાં આરોપીઓ રોષે ભરાયા હતા.