અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડીપ ટેક, આરોગ્ય, બાયોટેકનોલોજી અને બાયોમેડિકલના ક્ષેત્રમાં રાજ્યનું સૌપ્રથમ અત્યાધુનિક અટલ ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે. આવું હાઈટેક કેન્દ્ર સ્થાપવા માટે જીટીયુએ આઈઆઈટી-મુંબઈ, એલ.એમ. ફાર્મસી કૉલેજ અને એક્યુપ્રેક રીસર્ચ લેબ્સ સાથે કરાર કર્યા છે.કેન્દ્ર સરકારના નીતિ આયોગે આ હેતુસર રૂ. દસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. નીતિ આયોગ હેઠળ કાર્યરત અટલ ઈનોવેશન મિશન તરફથી જીટીયુને આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અગાઉ આઈઆઈટી મુંબઈમાં મેડિકલ ડિવાઈસ ઈનોવેશન કેમ્પ યોજવામાં આવ્યો તેમાં જીટીયુને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે કાર્યક્રમ દરમિયાન જીટીયુ અને આઈઆઈટી-મુંબઈ વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. જેનો હેતુ બંને સંસ્થાઓના ઈનોવેટીવ પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપતા કેન્દ્રની સ્થાપના કરવાનો હતો. આઈઆઈટી-મુંબઈમાં હાલમાં બાયોમેડિકલ એન્જીનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (ઈન્ક્યુબેશન) સેન્ટર (બેટિક) કાર્યરત છે. તેની સાથે સહયોગ વધારવામાં આવશે. આવી જ રીતે એલ.એમ. ફાર્મસી કૉલેજ અને ઈન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે એક્યુપ્રેક રિસર્ચ લેબ્સ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે
જીટીયુ અટલ ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપવા ખાસ કંપનીની રચના કરવામાં આવી છે અને તેમાં સેવા આપનારી ટીમની પસંદગી કરવાની પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહી છે. હેતુ ઈનોવેટીવ આઈડિયાનું પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર થઈ તે માર્કેટ સુધી પહોંચે એવો આધાર પૂરો પાડવા અને તાલીમ આપવાનો છે.