અમદાવાદઃ દેશના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદે પાંચ વર્ષની વયે ચેસ રમવાનું શરૂ કર્યું હતું અને વર્ષ 2018માં 12 વર્ષની વયે તે વિશ્વનો બીજા ક્રમનો ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. તે અભિમન્યુ મિશ્રા, સર્ગેઇ કારજાકિન, ગુકેશ ડી અને જાવેખિર સિંદારાવ પછી આ ટાઇટલ મેળવનાર સૌથી નાની વયે ગ્રાન્ડ માસ્ટર બનનાર પાંચમા ક્રમનો ખેલાડી હતો. વળી તેની મોટી બહેન વૈશાલી પણ ગ્રાન્ડમાસ્ટર છે. આમ વિશ્વની આ પ્રથમ ભાઇબહેનની જોડી છે, જે ગ્રાન્ડમાસ્ટર છે.ગ્રાન્ડમાસ્ટ આર. પ્રજ્ઞાનંદની કેરિયરને વેગ આપવા માટે અદાણી ગ્રુપ સહયોગ કરશે. ગ્રુપ દેશના સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને પીઠબળ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે.
સ્પોર્ટ્સ ક્ષેત્રે ચેસના ગ્રાન્ડમાસ્ટર સાથે મુલાકાત પછી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમને ચેસના પ્રતિભાશાળી પ્રજ્ઞાનંદને ટેકો આપવા પર બહુ ગર્વ થઈ રહ્યો છે. તેણે સ્પોર્ટ્સમાં ચેસમાં જે હરણફાળ ભરી છે એ કાબિલેદાદ છે અને બધા ભારતીયો માટે એક દાખલા સમાન છે. દેશનું પ્રતિનિધિત્વ કરવામાં અને ટોચના સ્તરે પહોંચવાથી વિશેષ બીજું કશું નથી અને ગ્રુપ આવા પ્રતિભાશાળી એથ્લીટોને પૂરેપૂરો સહયોગ કરશે.
હું પણ દેશ માટે બહુ ઉત્સુક છું અને વૈશ્વિક સ્તરે મારી રમતનો સારો દેખાવ કરવા ઉત્સાહિત છું. હું જ્યારે પણ દેશ વતી કોઈ પણ સ્પર્ધામાં રમું છું, ત્યારે મારું જીતવાનું લક્ષ્ય હોય છે. હું અદાણી ગ્રુપનો મારી પર ક્ષમતા અને વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું, એમ પ્રજ્ઞાનંદે જણાવ્યું હતું.
વર્ષ 2023માં તે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર વિશ્વનો સૌથી યુવા ચેસ પ્લેયર હતો અને વિશ્વનાથન આનંદ પછી આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો ભારતીય છે. વર્ષ 2022માં તેણે મેગ્નસ કાર્લસનને ચેસ વિશ્વમાં અનેક વાર હરાવીને ચેસ વર્લ્ડમાં છવાયો હતો. ચેન્નઈ સ્થિત ગણિતપ્રેમી પ્રજ્ઞાનંદે હાંગઝોઉ એશિયન ગેમ્સ, 2023માં સિલ્વર મેડલ જીત્યો હતો.
અદાણી ગ્રુપ #ગર્વહૈ પહેલ હેઠળ સ્પોર્ટ્સ ક્ષેત્રે બોક્સિંગ, રેસલિંગ, ટેનિસ, ભાલાફેંક, શૂટિંગ, રનિંગ, શોટપુટ બ્રિસ્ક વોકિંગ અને આર્ચરીના 28 પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની પ્રતિભા વધુ નિખારવા માટે સહયોગ કરી રહ્યું છે. ગ્રુપ પાસેથી સહયોગ મેળવાનારા ખેલાડીઓમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ રેસલર્સ રવિ કુમાર દહિયા અને દીપક પૂનિયા અને બોક્સર અમિત પંઘાલ છે. દહિયા અને પૂનિયાએ વર્ષ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 અને એશિયન ગેમ્સ, 2023માં સિલ્વર મેડલ જીત્યો હતો.