રાજ્યમાં કેટલીક અનિચ્છનીય બનાવો બન્યા છે જેમાં માસૂમ બાળકોના જીવ હોમાય ગયા હોય. કેટલાક એવા વાલી છે જેમના એકલોતા પૂત્રનો જીવ જતા નરી આંખે જોય હોય. ત્યારે હવે ફરી એક વખત એવી કોઈ દુર્ઘટનામાં આપણા રાજ્ય કે દેશનું ભવિષ્ય ના હોમાય તે માટે ગઈકાલ એટલે કે રવિવારના દિવસ તમામ સ્કૂલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામા આવી હતી અને સ્કૂલો ચાલુ રાખવામા આવી હતી. અમદાવાદ જિલ્લામાં 110થી વધુ સ્કૂલો કે જેઓને ફાયર એનઓસીની જરૂર ન હતી પરંતુ ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન હોવાથી નોટિસ આપવામા આવશે. અમદાવાદની 1900થી વધુ સ્કૂલોમાં ચેકિંગ કરવામા આવ્યુ હતું.
રાજકોટ અગ્નિકાંડને લઈ તમામ એકમો પર ફાયર સેફ્ટીના સાધનો દસ્તાવેજોને લઈ તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લા ડીઈઓ-ડીપીઓ દ્વારા રૂબરૂ ચકાસણી કરવામા આવી હતી અને તમામ સ્કૂલો પાસેથી ફાયર સેફટીના લગતા પ્રમાણપત્રો મંગાયા હતા.જેમાં અગાઉ અમદાવાદ કેટલીક સ્કૂલોમાં ફાયર એનઓસી રીન્યુ ન હતી અને તેઓને રીન્યુ કરવા આદેશ કરાયો હતો.
આ દરમિયાન હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર તમામ સ્કૂલો ફાયર સેફટી ચેકિંગ માટે આદેશ કરાયો હતો અને જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડ, કમિશનર ઓફ સ્કૂલ કચેરી તથા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને રવિવારે ચેકિંગ કરીને 17મી સાંજ સુધી રિપોર્ટ આપવા આદેશ કરવામા આવ્યો હતો. હાઈકોર્ટના આદેશના પગલે ગઈકાલે થયેલા ઈન્સપેકશનમાં અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની 57 સ્કૂલો અને ગ્રામ્ય ડીઈઓ હેઠળની 55 સ્કૂલો સહિત 110થી વધુ સ્કૂલોમાં ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન હોવાનું ધ્યાને આવ્યુ હતુ.