અમદાવાદઃ જીટીયુના ઈતિહાસમાં પહેલીવાર સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટીએ 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં પ્રવેશ કર્યો તે પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતા મુખ્ય અતિથિ તરીકે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે જે વિદ્યાર્થીઓમાં પ્રતિભા અને કંઈક નવતર કરી બતાવવાની તમન્ના હશે તેવા વિદ્યાર્થીઓના આઈડિયાને સાકાર કરવામાં સરકાર તમામ પ્રકારની મદદ કરશે. તેમણે વિદ્યાર્થીઓને ઈનોવેટીવ બનો એવો મંત્ર આપ્યો હતો. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે એક જમાનામાં જેમની પાસે નાણાં વધારે હોય તેઓ ધનવાન કહેવાતા, પણ હવે 21મી સદીમાં જેમની પાસે જ્ઞાન વધારે હોય તે શ્રીમંત કહેવાશે. નોલેજ વીથ ટેકનોલોજી જેમની પાસે હોય તે ધનવાન ગણાશે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આટલી હરણફાળ ભરી છે ત્યારે તેનો લાભ શહેરોની જેમજ ગામડાઓને પણ મળતો થયો છે. રૂરલ અને અર્બનનો સમન્વય કરીને રૂર્બન કન્સેપ્ટના માધ્યમથી વિકાસ સાધવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આવા સંજોગોમાં ઈજનેર બનીને બહાર આવનારા વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે કે તમે સમાજઉપયોગી કાર્યોમાં તમારા કૌશલ્યોનો લાભ આપશો તો તમને ભરપૂર આત્મસંતોષ મળશે. આ સ્ટાર્ટ અપનો જમાનો છે.
આ પ્રસંગે વિભાવરીબેન દવે,કે. કે. નિરાલા તેમજ જીટીયુમાંથી પીએચડી કરી ચૂકેલા ઉદ્યોગપતિ ડૉ. જૈમીન વસા વગેરે ઉપસ્થિત હતા. જીટીયુના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલરો પ્રો.ડૉ.એમ.એન.પટેલ તથા પ્રો.ડૉ.રાજુલ ગજ્જર તેમજ માજી રજીસ્ટ્રાર ડૉ.જી.પી વડોદરીયા અને ડૉ .જે.સી.લીલાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ જીટીયુના પોતાના સમયગાળાના સંસ્મરણો તાજા કરીને જીટીયુની પ્રગતિ માટે કેટલાક સૂચનો પણ કર્યા હતા. માજી વાઈસ ચાન્સેલર ડૉ. અક્ષય અગ્રવાલનો કેનેડાથી વિડીયો સંદેશ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવ્યો હતો.