અમદાવાદઃ રાજ્યમાં જેમ-જેમ કોન્ક્રીટનાં જંગલો વધી રહ્યાં છે, તેમ-તેમ બાળકો માટેનાં રમતગમતનાં મેદાનો, ખેલકૂદનાં મેદાનો સહિત અનેક ચીજવસ્તુઓમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રાજ્યની સરકારી શાળાઓ વિશેની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવી છે.
હાઇકોર્ટમાં સરકારે રાજ્યમાં કુલ ૩૨,૩૧૯ જેટલી સરકારી શાળાઓ પૈકી 6443 શાળાઓમાં રમત-ગમતના મેદાન ન હોવાનું કબૂલ્યું છે. રાજ્યભરમાં સાત સરકારી શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર અથવા તો અન્ય માધ્યમ થકી પાણી પહોંચાડવામાં આવે છે. કુલ સરકારી શાળા પૈકી ૭૭૮ શાળા માટે ભાડાના મકાન અથવા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. હાઇકોર્ટમાં ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીના ચર્ચાસ્પદ નિવેદન સંદર્ભે સુઓ મોટો અરજી બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે છોટા ઉદેપુરની વાગલવાડા પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ સુવિધાઓથી સજ્જ હોવાની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે રાજ્યમાં સરકારી શાળાઓની કેટલીક મહત્વપૂર્ણ બાબતો રજૂ કરી હતી, જે અંગે મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠે સંતોષ વ્યક્ત કરતાં સુઓ મોટો અરજીનો નિકાલ થયો હતો.