અદાણી-દંપતીએ હજારો અદાણીયન્સને યોગાભ્યાસ માટે પ્રેરિત કર્યાં

અમદાવાદ, 21 જૂન 2022: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ અદાણી પરિવારના 1000થી વધુ સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. ધ્યાન, આરોગ્ય અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરતાં તેમણે સ્વસ્થ રાષ્ટ્ર માટે સૌને યોગાભ્યાસ માટે આહ્વાન કર્યું.

અદાણી શાંતિગ્રામના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અદાણી પરિવારના 1,000 થી વધુ કર્મચારીઓ યોગાભ્યાસ માટે એકત્રિત થયા હતા. શાંતિગ્રામની આસપાસ હરિયાળા વાતાવરણમાં નિષ્ણાત પ્રેક્ટિશનરોએ એક કલાકના યોગસત્રમાં સૌને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

અગાઉ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અદાણી ફાઉન્ડેશને ગુજરાતના 75 પ્રતિષ્ઠિત સ્થળોને આવરી લેતી યોગયાત્રાનું આયોજન કર્યું હતું. યોગ-યાત્રામાં ગુજરાતના 75 હેરિટેજ, પ્રવાસન, પુરાતત્વીય અને ઐતિહાસીક સ્થળોને આવરી લઈ યોગના ફાયદાઓ દર્શાવવામાં આવ્યા હતા. ગુજરાતના સમૃદ્ધ અને જીવંત સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે લેન્ડમાર્ક સ્થાપત્યોની પણ પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતની અનોખી સંસ્કૃતિ, ઈતિહાસ, આર્કિટેક્ચરલ અજાયબીઓ, પ્રાકૃતિક ઈકો-સિસ્ટમ અને વૈવિધ્યસભર ભૂગોળની પૃષ્ઠભૂમિમાં યોગના ફાયદાઓને શોર્ટફિલ્મો રૂપે ઉતારવામાં આવ્યા હતા.

તદુપરાંત સચિન-જીગર દ્વારા બનાવાવામાં આવેલું અને શંકર મહાદેવને ગાયેલું ગીત ‘યોગ કરો’થી પણ લોકોમાં યોગ વિશે જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવ્યું. આ ગીતમાં યોગની વિવિધ મુદ્રાઓ સાથે ગુજરાતના સૌંદર્યને ઉજાગર કરવામાં આવ્યું છે. ગીતમાં દર્શાવેલા પ્રત્યેક આસન અને મુદ્રાઓ તે ચોક્કસ સ્થળ સાથે જોડાયેલા છે, જેમ કે ગીર જંગલમાં સિંહાસન, વ્રુક્ષાસન અને મયુરાસન જેવા આસનોનું પ્રદર્શન.