સાબરકાંઠામાં ધી ઇડર નાગરિક સહકારી બેંકનો સુવર્ણજયંતિ સમારોહ

ઈડરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ સાબરકાંઠાના ઈડરમાં નાગરિક સહકારી બેંકના સુવર્ણજયંતિ ઉજવણી સમારોહમાં હાજરી આપી હતી. આ બેંકની સ્થાપના 1969માં થઈ હતી. 15580 સભાસદો અને 262 લાખના શંરભંડોળ સાથેની આ સહકારી બેંક ગ્રાહકોને ડિજિટલ બેંકિંગની સેવાઓ પણ પૂરી પાડે છે.

મુખ્યપ્રધાને સરપ્રભાત હાઇસ્કૂલમાં રૂ. પ૦ લાખના નવનિર્મિત જૂડો હોલ લોકાર્પણ કર્યુ હતું. તેમણે ઇડર પાંજરાપોળની પ્રત્યક્ષ મૂલાકાત લઇને ગૌ માતાને ઘાસચારાનું નિરાણ કરીને ખોળ ખવરાવ્યા હતા. મુખ્યપ્રધાને સહકારી બેન્કીંગ ક્ષેત્ર હવે નાના માણસની મોટી બેંકના રૂપમાં વિસ્તર્યુ છે અને આગવી શાખ-વિશ્વાસની મૂડી ઊભી કરી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યપ્રધાને ઉમેર્યુ કે સહકારી બેંકોએ રાષ્ટ્રીયકૃત બેંકો સાથે સ્પર્ધાત્મકતાના વાતાવરણમાં સક્ષમ સ્થિતી ઊભી કરી છે તેના પાયામાં સામાન્યમાં સામાન્ય માનવી-ખાતેદારની સેવા ભાવના પડેલી છે. મુખ્યપ્રધાને ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોમાં સહકારી બેંકોના ઉઠમણાના સમાચારો આવતા તેની આલોચના કરતા કહ્યું કે, ભાજપા સરકારે સહકારી બેન્કીંગ ક્ષેત્રે વિશ્વાસ-પારદર્શીતા અને ભરોસાની સ્થિતીનું નિર્માણ કર્યુ છે. આના પરિણામે રાજ્યની સહકારી બેંકોમાં લોકોનો વિશ્વાસ પૂન: પ્રસ્થાપિત થયો છે.

ઇડર સહકારી બેંકનો ઉલ્લેખ કરી મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ઇડર સહકારી બેંકે પ૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેની આ અડીખમ સેવામાં બેંકની નિસ્વાર્થ સેવા દેખાય છે. પોતાની મરણમૂડી મૂકનાર ખાતેદારનો વિશ્વાસ ટકાવી રાખવાનું કામ બેંકે સુપેરે પાર પાડયું છે અને હજી ચાલુ છે તે અભિનંદનીય છે.

વાયબ્રન્ટ ગુજરાતનો ઉલ્લેખ કરી મુખ્યપ્રધાને ઉમેર્યુ હતું કે વાઇબ્રન્ટ ગુજરાત એ વિશ્વના ઊદ્યોગકારો માટે ‘ગ્લોબલ પ્લેટફોર્મ’ પુરવાર થયું છે. ગુજરાતના વિકાસનો અને વાઇબ્રન્ટ ગુજરાતનો વિરોધ કરનારા કાન ખોલીને સાંભળી લે કે ગુજરાતે વિકાસનો મંત્ર સિધ્ધ કર્યો છે અને વિશ્વ આખુ તેને સ્વીકારવા પણ માંડયુ છે. ૩૦મી માર્ચ-2019 સુધીમાં 450 કંપનીઓના રુપિયા 1.11 લાખ કરોડના કામોના ઉદઘાટનો-કાર્યારંભ-ખાતમૂર્હત સાકાર થશે અને તેના પગલે 11 લાખ લોકોને રોજગારી આપવાનો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, મહાવીર ભગવાનની અનેકાંત-અપરિગ્રહ-અહિંસાના ત્રણ પાયાને સ્વીકારીને દિવ્ય ગુજરાત બનાવવું છે. આ ગાંધી-સરદાર-શ્રીમદ રાજચંદ્રનું ગુજરાત સામૂહિક વિકાસ તથા સૌના સાથ સૌના વિકાસનું પર્યાય બન્યુ છે. ૧૦ ટકા આર્થિક અનામતનો દેશમાં સર્વપ્રથમ ગુજરાતે અમલની શરૂઆત કરી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યપ્રધાને તમામ જીવોની રક્ષા, 96 તાલુકાઓમાં પાંજરાપોળ-ગૌશાળા ઢોરવાડાને સબસીડીની વિગતો આપી હતી. રાજ્યનો કોઇ પણ ગરીબ ભુખ્યો ન સૂવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

પાણી પુરવઠા અને સાબરકાંઠા જિલ્લાના પ્રભારી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, સૌ સાથે મળીને કામ કરવું એટલે ‘સહકાર’-વ્યાજખોરો-શાહુકારોની ચુંગાલમાંથી ગરીબ-મધ્યમવર્ગી-જરૂરતમંદોને છોડાવવા સહકારની પ્રવૃત્તિ શરૂ કરાઇ હતી. ગરીબ અને મધ્યમ પરિવારો માટે સીધુ ધિરાણ આપની સહકારી બેંકોએ મોટી પ્રગતિ કરી છે. થાપણો મેળવવી અને ધિરાણ આપવાની સીધી સાદી પ્રક્રિયા સરળ અને સુનિશ્ચિત રીતે ચાલે તો બેંકોની પ્રગતિ કોઇ અટકાવી ન શકે. ઇડર સહકારી બેંક જેવી અનેક સહકારી બેંકો આજે ગુજરાતની સહકારી પ્રવૃત્તિનું પીઠબળ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે જણાવ્યું કે, નર્મદાના નીરથી રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેવાયા છે. ધરોઇ ડેમમાંથી પણ આ વિસ્તારને પીવા-સિંચાઇનું પાણી અપાય છે. ઉત્તર ગુજરાતના તળાવો ભરીને આ વિસ્તારના ખેડૂતો-લોકોને તથા પશુધન માટે પાણી ઉપલબ્ધ કર્યુ છે.