ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ગિફ્ટ સિટીએ શિક્ષણ, ફિનટેક ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે એમઓયુ કર્યો છે.
આ ભાગીદારી હેઠળ સ્પેશિયલાઇઝ્ડ કોર્સ, ટ્રેનિંગ, સર્ટિફિકેશન મોડ્યુલ્સ અને ગિફ્ટ આઈએફએસસી તથા ફિનટેક ટ્રેન્ડ્સ પર સેન્ટર ઓફ એક્સીલન્સ સ્થાપાશે.
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ સંજય કૌલ એ જણાવ્યું કે, આ સહકાર ભારતને ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેક ક્ષેત્રમાં મજબૂત બનાવશે. ગિફ્ટ સિટીમાં પોતાનો બેઝ ઊભો કરવા માટે અગ્રણી ફાઇનાન્શિયલ અને ટેક કંપનીઓએ મોટાપાયે રસ દર્શાવ્યો છે. જીટીયુ સાથેનો આ સહયોગ ગ્લોબલ ફાઈનાન્શિયલ અને ટેક ઇકોસિસ્ટમમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવવા અને વિકાસ માટે અર્થપૂર્ણ યોગદાન આપી શકે તેવી ફ્યુચર-રેડી પ્રતિભાઓ વિકસાવવામાં મદદ કરશે.
જીટીયુના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ ગજ્જરે જણાવ્યું કે જીટીયુની શૈક્ષણિક નિપુણતાને ગિફ્ટ સિટીના ઉદ્યોગ નેતૃત્વ સાથે જોડતા અમારો ઉદ્દેશ્ય વૈશ્વિક નાણાંકીય બજારો અને ટેક્નોલોજીમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને અદ્વિતીય એક્સપોઝર પૂરું પાડવાનો છે.
આ એમઓયુ કુશળ પ્રતિભા વિકસાવશે અને ગુજરાતને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે મજબૂત કરશે.
