‘ફાધર્સ ડે’ નિમિત્તે ગૌતમ અદાણીએ પિતા સાથેની 80ના દાયકાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી

અમદાવાદઃ આજે દુનિયાભરમાં ‘ફાધર્સ ડે’ લાગણીપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ આ દિવસની આગવી રીતે ઉજવણી કરી છે. એમણે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એમના પિતા સાથેની તસવીર શેર કરી છે.

ગૌતમ અદાણીએ એમના પિતા શાંતિલાલ અદાણી સાથેની પોતાની જૂની તસવીરને શેર કરી છે અને એની સાથેના લખાણમાં આમ લખ્યું છેઃ

‘મારા પિતા પાસેથી શીખેલી મૂલ્યને લગતી બે નક્કર વાતે મારા જીવન ઘડતરમાં મોટી ભૂમિકા ભજવી છે.

એક, તમે સ્વયંને જે વચન આપો તે અને તમે અન્યોને જે વચન આપો એ નિભાવવાના સંકલ્પનો સંપૂર્ણપણે સુમેળ હોવો જોઈએ. બીજું, પરિસ્થિતિનું વધારે પડતું પૃથક્કરણ કરવાનું ટાળવું અને તમારી કુદરતી આવડતના આધારે ઝડપથી નિર્ણયો લેવાની હિંમત કેળવવી.’

અદાણીએ વધુમાં લખ્યું છે કે પિતા સાથે પોતાની આ તસવીર 1988માં લેવામાં આવી હતી જ્યારે અમે અમદાવાદમાં અમારી પહેલી ઓફિસમાં બેસવાનું શરૂ કર્યું હતું.