અમદાવાદઃ નવરાત્રિ-2018ની શેરી-મહોલ્લા, પાર્ટી-પ્લોટ, ક્લબ, સોસાયટીમાં સહુ કોઈ ગરબાની મોજ માણી રહ્યું છે. ગુજરાત આખાયમાં તમામ પરગણા-પ્રાંતના લોકો રાસ-ગરબાને પોતાની આગવી શૈલીમાં માણે છે.
અત્યાધુનિક ટેક્નોલોજી-ઇક્વિપમેન્ટથી સજ્જ લોકો ઉત્સવોને પરંપરાગત રીતે ઉજવવા માંગે છે. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોથી શોભતી નવરાત્રિમાં આ વર્ષે અવનવી વેશભૂષાનો ઉમેરો થયો છે. આ નવરાત્રિમાં મોટી સંખ્યામાં બાળકો સાથે પરિવારના સહુ સદસ્ય વેશભૂષામાં જોવા મળે છે.
રાત્રે ગોગલ્સ, ફાળીયા, કેડીયા, બ્રાઇડ-ગ્રૂમ, પોલીસ-સૈનિકો, આદિવાસી , માલધારી, દેવી દેવતા જેવી અનેક વેશભૂષા માં ગરબા સ્થળ પર લોકો જોવા મળે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન શેરી, મહોલ્લા સહિત વિવિધ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે નવ દિવસ સુધી ચાલતા આ ગરબા ઉત્સવમાં એક દિવસ વેશભૂષાનો પણ રાખવામાં આવે છે. અને જે દિવસે વેશભૂષા હોય તે દિવસે નાના, મોટા સહિત તમામ લોકો અલગ વેશ ધારણ કરે છે. અને આ રીતે પણ ગરબાનો એક અલગ જલસો ઉજવાય છે.
(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)