રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદી શરુ, 24 કલાકમાં ખેડૂતોના ખાતામાં રૂપિયા થશે જમા

ગાંધીનગર: રાજ્ય સરકારે ટેકાના ભાવે અનાજની ખરીદી શરૂ કરી છે. બજાર કરતા ઉંચા ટેકાના ભાવે સરકાર હાલ ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી કરી રહી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરુ કરાતા  ખેડૂતોને થોડી રાહત મળશે.

આજથી શરૂ થઈ રહેલી ટેકાના ભાવની ખરીદી 31 ડિસેમ્બર 2018 સુધી ચાલશે. ભારત સરકારે ખરીફ માર્કેટિંગ સિઝન 2018-19 માટે ટેકાના ભાવ વધાર્યા છે. જેમાં જુદા-જદા પાકોમાં ગતવર્ષ કરતા રૂપિયા 180થી લઈને રૂપિયા રૂ.525 સુધીનો વધારો કરાયો છે.

રાજ્યમાં 142 એપીએમસી કેન્દ્ર પર ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી શરૂ કરાશે. ચાલુ વર્ષે નબળા ચોમાસા અને તહેવારોની સીઝનને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં પાકના વેચાણના 24 કલાકમાં ખેડૂતોના ખાતામાં રૂપિયાની સીધી ચુકવણી કરી દેવામાં આવશે. ગુજરાત સરકાર અંદાજિત ડાંગરની એક લાખ મેટ્રીક ટન ખરીદી કરશે. જ્યારે મકાઈ અને બાજરીની 50 હજાર મેટ્રીક ટન ખરીદી કરશે. સરકારે જાહેર કરેલા ટેકાના ભાવમાં ડાંગરના હાલના ભાવ રૂ.1450ની સામે ટેકાના ભાવ રૂ.1770 (ક્વિન્ટલમાં), બાજરી હાલના ભાવ રૂ.1400ની સામે ટેકાના ભાવ રૂ.1950 (ક્વિન્ટલમાં), જ્યારે મકાઈ હાલના ભાવ રૂ.1125ની સામે ટેકાના ભાવ રૂ.1700 (ક્વિન્ટલમાં) ખરીદી કરશે.

  • ડાંગર, મકાઈ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી
  • 31 ડિસેમ્બર 2018 સુધી ટેકાના ભાવે ખરીદીપ
  • રાજ્યમાં 142 એપીએમસી કેન્દ્ર પર અનાજ ખરીદી
  • વેચાણના 24 કલાકમાં ખેડૂતોના ખાતામાં રૂપિયાની સીધી ચુકવણી
  • અંદાજે એક લાખ મેટ્રીક ટન ડાંગરની થશે ખરીદી
  • અંદાજે 50 હજાર ટન મકાઈ અને બાજરીની થશે ખરીદી