અમદાવાદઃ પોલીસે રિલાયન્સ જિયોના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરવાને મામલે ચાર જણની ધરપકડ કરી છે. આ બનાવ સુરતમાં બન્યો છે. સુરતમાં આરોપીઓ જિયો ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરતા અને કંપની નામે ઘઉંનો લોટ વેચતા હતા. હાલ ટ્રેડમાર્ક એક્ટ 1999 હેઠળ ફરિયાદ નોંધવામા આવી છે અને આ મામલે વધુ તપાસ કરવામા આવી રહી છે.
સુરતના સચિનમાં આવેલી રાધા-કિષ્ણા ટ્રેડિંગ કંપની સામે રિલાયન્સ જિયો કંપનીના અધિકારી દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સચિન પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર બારડોલીના બાબેન ગામમાં ગોપાલનગરમાં રહેતા 33 વર્ષીય સૌરભ પ્રકાશ માત્રા મૂળ રાજસ્થાન જયપુરના વતની છે. તેઓ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિ. એરિયા સિક્યોરિટી મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે સચિનમાં આવેલી રાધા-ક્રિષ્ણા ટ્રેડિંગ કંપની તથા અન્ય લોકો વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ મુજબ પોલીસે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે રાધા-ક્રિષ્ણા ટ્રેડિંગ કંપની તેમ જ અન્ય લોકોએ જિયો ટ્રેડમાર્ક અને ડિઝાઇનનો ઉપયોગ કરી ઘઉં ભરવાની બોરી ઉપર ડિઝાઈન છાપી એને બજારમાં વેચી છે.
પોલીસ સમક્ષ નોંધવવામાં આવેલી ફરિયાદમાં એક નેશનલ ચેનલ પરની જાહેરાત હતી કે ‘જિયો ડેટા કે બાદ જિયો આટા’- આ જાહેરાત મામલે તપાસ કરવામા આવતાં સુરતની રાધા-કૃષ્ણ ટ્રેડિંગ કંપની જિયો સ્ટિકર લગાવેલા થેલામાં પોતાની કંપનીનો લોટ ભરીને વેચતી હતી..
સચિન પોલીસે આ કેસમાં દુકાનદાર, બોરી છાપનાર, પ્લાસ્ટિકની બોરી માટે સપ્લાય કરનાર અને ઘઉંનો ધંધો કરનાર વ્યક્તિ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસની કાર્યવાહી બાદ આરોપીઓને જોકે જામીન મળી ગયા હતા.