પાલનપુરઃ પાલનપુરના 1996 NDPS કેસમાં ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. તેમને પાલનપુર સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. એ સાથે જ રૂ. બે લાખનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. સંજીવ ભટ્ટની વિરુદ્ધ ચાલી રહેલો ડ્રગ્સથી જોડાયેલો આ કેસ 28 વર્ષ જૂનો છે.
આ કેસ સુમેર સિંહ રાજપુરોહિતની ધરપકડ પછી સામે આવ્યો હતો. સંજીવ ભટ્ટ પર આરોપ હતો કે તેમણે આ મામલે રાજસ્થાનના એક વકીલને ખોટી રીતે ફસાવ્યો હતો. સંજીવ ભટ્ટ 1998માં બનાસકાંઠામાં DSP હતા. તે વખતે એક વકીલે નાર્કોટિક્સના બોગસ કેસમાં ફસાવવાનો આરોપ સંજીવ ભટ્ટ પર મૂક્યો હતો. એ વખતે આવા આઠ કેસમાં વિવાદ થયો હતો. સંજીવ ભટ્ટ પર પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરીને તેમને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 2018માં CID ક્રાઈમે સંજીવ ભટ્ટની તથા પાલનપુરના તત્કાલીન PI વ્યાસની ધરપકડ કરી હતી.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસ મુદ્દે પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં સીધા જ પાલનપુરના સેસન્સ કોર્ટમાં જે.એન.ઠક્કર બીજા એડિશનલ ડિસ્ટિકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં હતા. જ્યારે આજે સજા સંભળાવવામાં આવી છે.
આ દંડ નહીં ભરવાના સંજોગોમાં એક વર્ષ સાદી જેલ, જ્યારે કુલ 11 કલમો અંતર્ગત સજાઓ ફટકારવામાં આવી છે. એક ગુનાની સજા પૂર્ણ થતા અન્ય ગુનાની સજા ભોગવવા હુકમ કરવામાં આવ્યો છે. એ સાથે જ જેતે જેલમાં સંજીવ ભટ્ટને પરત મોકલાશે. સંજીવ ભટ્ટના વકીલે આરોપીને પાલનપુર જેલમાં રાખવા અપીલ કરી હતી.