ભૂતપૂર્વ ક્રિકેટર VVS લક્ષ્મણ IITGN વિદ્યાર્થીઓને મળ્યા, કરી આ વાત..

ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)ના દસ વિદ્યાર્થીઓ 31 મે, 2023 ના રોજ અમદાવાદમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ડિરેક્ટર VVS લક્ષ્મણને મળ્યા હતા. જેમાં વિદ્યાર્થિઓએ તેમની સાથે સીધો વાર્તાલાપ કર્યો અને તેમણે સામનો કરેલા પડકારોની અને વિશ્વની સૌથી અઘરી પ્રવેશ પરીક્ષાઓમાંની એક પાસ કરીને IITGN સુધી પહોંચવાની તેમની મુસાફરીની વાતો પણ સાંભળી.

જે વિદ્યાર્થીઓ ક્રિકેટના દિગ્ગજને મળ્યા તેઓ નમ્ર આર્થિક પૃષ્ઠભૂમિના છે અને તેઓ IITGN ખાતે સત્યરામ સ્કોલરશિપ અને Yuva Unstoppable NGO દ્વારા યુવા સ્કોલરશિપમેળવનારા છે. ‘સત્યારામ સ્કોલરશિપ’ની સ્થાપના IITGN ખાતે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ફિલન્થ્રોપિસ્ટ VVS લક્ષ્મણ દ્વારા વર્ષ 2016માં કરવામાં આવી હતી અને Yuva Unstoppable NGO દ્વારા તેને ફેસિલિટેટ કરવામાં આવી રહી છે. તે IITGNના જરૂરિયાતમંદ અને લાયક વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવે છે, અને તેઓ સંસ્થામાં તેમનો BTech પ્રોગ્રામ પૂર્ણ થાય ત્યાં સુધી શિષ્યવૃત્તિ સહાય મેળવે છે. ‘સત્યરામ સ્કોલરશિપ’ના બે પ્રાપ્તકર્તા વિદ્યાર્થીઓ ઉપરાંત, IITGNના BTech પ્રથમ વર્ષના વધુ દસ વિદ્યાર્થીઓને યુવા અનસ્ટોપેબલ મારફત દિગ્ગજ ક્રિકેટર દ્વારા ‘યુવા સ્કોલરશિપ’ એનાયત કરવામાં આવી હતી.

વાર્તાલાપ દરમિયાન, VVS લક્ષ્મણે જીવનમાં ઉતાર-ચઢાવના પોતાના અનુભવો અને નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે કેટલા પ્રયત્નો કરવાની જરૂર પડે છે તે પણ શેર કર્યું.  તેમણે વિદ્યાર્થીઓને ધ્યાન કેન્દ્રિત કરવા અને સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા કારણ કે IITGN ખાતે તેમના આગામી થોડા વર્ષો ખૂબ જ નિર્ણાયક બનવાના છે જે તેમની કારકિર્દીનો માર્ગ અને ભવિષ્ય નક્કી કરશે.

IITGN ખાતે સિવિલ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અને સત્યરામ સ્કોલરશિપ મેળવનારાઓમાંના એક આકાશ કુશવાહે જણાવ્યું કે, “સર VVS લક્ષ્મણ ખૂબ નમ્ર હતા અને જીવનના મૂલ્ય માટે ઊંડો આદર સ્થાપિત કર્યો. તેમણે અમને વધુ સિદ્ધિઓ માટે પ્રયત્ન કરવા માટે પ્રેરિત કર્યા. જયારે IITGN ખાતે સિવિલ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અને યુવા અનસ્ટોપેબલ દ્વારા યુવા સ્કોલરશિપમેળવનારાઓમાંના એક રવિ કુમાવતે કહ્યું, “સર VVS લક્ષ્મણે માતા-પિતાની જેમ અમારી સાથે વાતચીત કરી. તેમણે અમને કહ્યું કે સખત મહેનત તમને આત્મવિશ્વાસ આપશે અને તમને સફળતા તરફ દોરી જશે.

 

જયારે પ્રોફેસર શિવપ્રિયા કિરુબાકરન અને IITGNના રમતગમતના વડા પ્રોફેસર અભિજિત મિશ્રાએ, VVS લક્ષ્મણનો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ એનાયત કરીને સતત સહયોગ આપવા બદલ આભાર માન્યો. ઉપરાંત ક્રિકેટરને તેમની આગામી અમદાવાદની મુલાકાત દરમિયાન IIT ગાંધીનગરની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું.