અમદાવાદઃ ગુજરાતીઓ અને એમાં પણ ખાસ કરીને અમદાવાદીઓ ખાવાના શોખીન હોય છે. ત્યારે ઉત્તમ આહાર માટેના શહેરીજનોના પ્રેમને ધ્યાનમાં રાખતા અમદાવાદ ફૂડ ફેસ્ટિવ 2018નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ ફેસ્ટિવ ડિસેમ્બર આગામી 21 થી 23 ડિસેમ્બર દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડની ઉત્સવ લોન ખાતે શરુ થવા જઈ રહ્યો છે.
ફૂડ ફેસ્ટિવલની આ ચોથી આવૃત્તિમાં ભારતીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યંજનોની 1200 થી પણ વધુ વેરાયટી રજૂ કરવામાં આવશે. ત્રણ દિવસ ચાલનારો આ ફેસ્ટિવ આહારના શોખીનો દ્વારા શહેરના ફૂડ લવર્સ માટે યોજાઈ રહ્યો છે. ફાઈવ સ્ટાર, ફાઈન ડાઈન, સ્ટ્રીટ ફૂડ તેમજ કાફે અમ ચાર શ્રેણીમાં કુલ 92 સ્પર્ધકો આ ફૂડ ફેસ્ટિવમાં ભાગ લેશે જેઓ તેમના આગવા વ્યંજનો રજૂ કરવાની સાથે જ મહેમાનોને ફેસ્ટિવ માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી વાનગીઓનો સ્વાદ ચખાડશે.
આ વર્ષનો ફેસ્ટિવ તેમાં યોજાનારા માસ્ટર ક્લાસના કારણે વિશેષ બન્યો છે. માસ્ટર શેફ, ટીવી શો હોસ્ટ, જજ તેમજ ફૂડ સ્ટાઈલિસ્ટ રણવીર બ્રાર 22 ડિસેમ્બરના રોજ આ ક્લાસ લેશે જેમાં તે વિવિધ વ્યંજનો બનાવવાના કેટલાક રહસ્યો જણાવશે.
વિશ્વભરમાં ઓથેન્ટિક ક્યુઝિનનો ટ્રેન્ડ અત્યારથી લોકપ્રિય બની રહ્યો છે અને ગોરમે ડિશિસ, એક્ઝોટિક ક્યુઝિન્સ તેમજ ફેસ્ટિવ રેસિપીની એક જ સ્થળે હાજરીને કારણે આ ફેસ્ટિવ આહાર પ્રેમીઓને સ્વાદની સંતૃપ્તિનો અનુભવ કરાવશે.
આહારના રસિયાઓ વિવિધ પ્રકારની સંખ્યાબંધ વાનગીઓના સ્વાદનો નવતર અનુભવ માણી શકશે.
મેક્સિકનથી લઈને ચાઈનિઝ અને ઈટાલિયનથી લઈને ભારતીય વ્યંજનોને આવરી લેતા ફેસ્ટિવના મેનુમાં દુનિયાભરની શ્રેષ્ઠ વાનગીઓને આવરી લેવાઈ છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં સ્વાદના રસિયાઓ અવનવા વ્યંજનોનો સ્વાદ માણવાની સાથે સાથે જ આહલાદક સંગીતની મજા માણી શકશે. આ ઉપરાંત તેમાં બાળકો ઉપરાંત મોટેરાંઓ માટે વન મિનિટ ઈટિંગ ગેમ્સનું પણ આયોજન કરાયું છે.