ડિજિટલ ઈન્ડિયા: સૂરતમાં બાળકીને જન્મતાં જ 2 કલાકમાં મળી અનોખી ભેટ

સૂરત: નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ડિજિટલ ઈન્ડિયાનું સપનું ખરા અર્થમાં સાકાર કર્યું છે સૂરતની એક બાળકીના પરિવારે. સૂરત શહેરમાં એક અનોખો દાખલો જોવા મળ્યો છે. બાળકીના જન્મના માત્ર બે કલાકમાં જ આધારકાર્ડ, રેશનકાર્ડ, પાસપોર્ટ અને જન્મનો દાખલો મેળવવાનો અનોખો રેકોર્ડ સર્જયો છે.

વરાછાના પરવત પાટિયા ખાતે દર્શન સોસાયટીમાં રહેતા અંકિતભાઇ નાકરાણીના ઘેર દીકરીનો જન્મ થતાં પરિવારમાં હર્ષોલ્લાસ હતો. અંકિત નાકરાણીએ બાળકીનું અનોખું સ્વાગત કરવા એક મહિના પહેલાં જ મિત્ર પીયૂષ સાથે ચર્ચા કરી હતી. જેમાં ડિજિટલ ઇન્ડિયાનો વિચાર તેમના મનમાં આવ્યો હતો.

12મી ડિસેમ્બર સવારે 10.30 વાગ્યે દીકરીનો જન્મ થતાં જ પિતાએ તેનું નામ ‘નાભ્યા’ પાડ્યું ને તરત જ હોસ્પિટલના કાગળો લઇ વરાછા ઝોન પહોંચ્યા. જ્યાં એક પુરાવો ખૂટતાં હોસ્પિટલનું પ્રમાણપત્ર વોટ્સએપ ઉપર મંગાવાયું હતું. પાલિકાકર્મીએ તે ફોટાના આધારે બર્થ સર્ટિ. ઇશ્યુ કર્યું હતું.

બર્થ સર્ટિફિકેટ મળતાની સાથે જ બાળકીના પિતા તેને લઈને આધારકાર્ડ સેન્ટર ખાતે પહોંચી ગયા હતાં અને તેનું આધાર કાર્ડ મેળવી લીધું હતું. આ સમયે એક સમસ્યા એવી થઈ હતી કે બાળકી ઉંઘી રહેલી હોવાથી આઈસ્કેન માટે મુશ્કેલી પડી હતી. આ માટે બાળકી મહામહેનતે ઉંઘમાંથી જગાડવામાં આવી હતી.

એટલું જ નહીં જન્મની 10 જ મિનિટમાં પાસપોર્ટ મેળવી લેવા માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ મેળવી લેવામાં આવી હતી. આ માટે તેમને અડધા કલાકમાં જ અપોઈન્ટમેન્ટ મળી ગઈ હતી. નાના બાળકોને પોલિસ વેરિફિકેશન તેમ જ અન્ય છૂટછાટને પગલે થોડીવારમાં તેનો ઓનલાઇન પાસપોર્ટ ઈશ્યૂ કરી દેવામાં આવ્યો હતો.