વડોદરામાં સ્પાની આડમાં દેહવેપારના ગોરખધંધાનો પર્દાફાશ

વડોદરા: શહેરમાં સ્પાની આડમાં વિદેશી યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો ધંધો ચલાવવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે બે ડમી ગ્રાહકને મોકલ્યાં હતાં. જેનો કોલ આવતાની સાથે જ પુરી ટીમ સ્પામાં ત્રાટકી હતી. જેમાં પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ સાથે બે થાઇલેન્ડની યુવતીને મુક્ત કરાવી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર AHTUની ટીમની પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શહેરના એક સલુન અને સ્પામાં રેડ કરી હતી. તેનો માલિક પોતાના આર્થિક ફાયદા માટે રાજ્ય બહારની તેમજ વિદેશી જરૂરીયાતમંદ યુવતીઓને બોલાવી સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવેપારનો ધંધો કરાવવાની વાત તપાસમાં બહાર આવી છે. માહિતી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે સ્પામાં બે ગ્રાહકને મોકલ્યા હતા અને ટ્રેપ ગોઠવી હતી અને પોલીસની ટીમે બહાર વોચ ગોઠવી હતી. ત્યારબાદ ગ્રાહકોએ કોલ કરતા જ વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સ્થળ પર જઈને રેડ કરી હતી. આ સમયે સ્થળ પરથી બે વિદેશી (થાઇલેન્ડ) યુવતી મળી આવી હતી અને તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી. આ જગ્યાએથી દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર દેવેન્દ્ર વાળંદ અને સ્પા માલિક આરોપી જયદીપ પંડિત સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે સ્પામ માલિક જયદીપ પંડિતને વોન્ટેડ જાહેર કર્યો છે.