અતિસુરક્ષિત ઈસરોમાં આગઃ 24 ફાયર ફાઇટર્સે આગ બૂઝાવી

અમદાવાદ– અતિસુરક્ષિત વિસ્તાર ગણાતાં અમદાવાદના પ્રસિદ્ધ અવકાશવિજ્ઞાન સંસ્થાન ઇસરોમાં બપોરના એક વાગ્યાના શુમારે અચાનક આગ લાગી હતી.  બિલ્ડિંગ નંબર 37માં લેબોરેટરીના એક રુમમાં કોઇ કેમિકલ પ્રોસેસ દરમિયાન આગ ફાટી નીકળી હતી.દેશની સર્વોચ્ચ વૈજ્ઞાનિક સંસ્થામાં આગના સમાચારથી સચેત તંત્રએ બ્રિગેડ કોલ જાહેર કરી આગને બૂઝાવવાની કામગીરી કરી હતી જેને પગલે આગ ફેલાઇ નથી અને કાબૂમાં આવી હતી. જોકે 3 સીઆઈએફએસ જવાન ઘાયલ થયાં હતાં જેમને સારવાર અપાઇ હતી.

ઈસરોમાં આગમાં સંદર્ભે સાડા ત્રણ કલાકે અમદાવાદ ક્લેક્ટર વિક્રાંત પાંડેએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે મશીનરીમાં નહીં પણ લેબોરેટરીમાં એક રુમમાં આગ લાગી હતી અને હવે આગ બૂઝાવી દેવાઇ છે, પ્રારંભિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સઘન તપાસ માટે એફએસએલ તપાસ કરાશે.જોકે પ્રાથમિક અહેવાલોમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું પોલિસે અતિસુરક્ષિત ઝોનમાં આવતાં ઇસરો સંસ્થાનને કોર્ડન કરી લીધું હતું. પ્રતિબંધિત વિસ્તાર હોવાથી મીડિયા અંદર જઇ શકતું નથી પરંતુ ફાયર ફાઇટર અને 10 જેટલી એમ્બ્યૂલન્સ અંદર ગઇ રહી હોવાના અહેવાલ મળ્યાં હતાં.

આગની જાણકારી મળતાં જ આ લખાય છે ત્યાં સુધીમાં 27 જેટલાં ફાયર ફાઇટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ બૂઝાવવાની કામગીરીમાં લાગી ગયાં હતાં. આગના કારણે કોઇ જાનહાનિના ખબર હજુ સુધી બહાર આવ્યાં નથી. જોકે સીઆઈએસએફનો એક જવાન ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે.