ફી મુદ્દોઃ સરકાર અને શાળાસંચાલકોની મળી બેઠક, રીપોર્ટ સુપ્રીમને સોંપશે

ગાંધીનગર : ખાનગી શાળાઓની તોતિંગ ફી પડાવવાની પ્રવૃત્તિઓ સામે મેદાને પડેલાં વાલીઓ માટે સુપ્રીમે આપી દીધેલો ચૂકાદો નિરાશાજનક છે. ત્યારે મળતાં સમાચાર પ્રમાણે સુપ્રીમના ચૂકાદા બાદ પહેલીવાર શાળા સંચાલકો અને સરકારની બેઠક યોજાઇ હતી.માહિતી પ્રમાણે મુખ્યપ્રધાન વિજય રુપાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શાળા સંચાલકો વચ્ચે બેઠક યોજાઇ હતી. આવી બેઠક યોજી સમાધાન લાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે સરકાર અને શાળા સંચાલકો વચ્ચે આ યોજાઈ હતી.  બેઠકમાં પૂરક અને ઇતર પ્રવૃતિઓની ફીના ધોરણોને લઈને ચર્ચા કરવામાં આવી હોઇ શકે છે.

ઉપરાંત, સંચાલકો અને સરકારની આ બેઠકમાં થયેલી ચર્ચાનો અહેવાલ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સરકાર દ્વારા  બેઠકની મિનિટ્સ પણ તૈયાર કરાશે. સંભવતઃ  2 જુલાઈએ ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે.