વલસાડ: મુંબઈ-અમદાવાદ હાઇવે પર પારડી નજીક વહેલી સવારે એક ખાનગી બસમાં આગ લાગી હતી. આ બસમાં 16 પ્રવાસીઓ હતા. આ અકસ્માતમાં વ્યક્તિને કોઈ જાનહાનિ કે ઇજા નથી. હાઇવે પર પૂરપાટ ઝડપે દોડી રહેલી બસનું ટાયર ફાટ્યા બાદ બસમાં આગ લાગી હતી. આ બનાવને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.
પ્રાપ્ત માહિત અનુસાર અમદાવાદથી કર્ણાટકના બેલગામ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ વલસાડ જિલ્લાના પારડીના ખડકીના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં તમામ પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. આ બસમાં સવાર તમામ મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા.
જોકે બસમાં આગ લાગતાં બસમાં સવાર મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. સળગતી બસમાંથી મુસાફરો પોતાનો જીવ બચાવી ઊતરી ગયા હતા. પહેલા બસના એક ભાગમાંથી આગની શરૂઆત થઈ હતી, પરંતુ થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. આ બસમાં મુસાફરોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ બનાવને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે બે કલાકથી વધુ સમય સુધી જામ રહ્યો હતો. આ ઘટનાને કારણે પોલીસ પણ દોડતી થઈ હતી અને હાઇવે પરના વાહન વ્યવહારને યથાવત્ કરવા પ્રયાસો કર્યા હતા.