વડોદરા: IOCLમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સાંજના સમયે ગુજરાત રિફાઈનરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાના પગલે પોલીસે અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાલીસ દિવસ પહેલા લાગેલી આગનો રિપોર્ટ પણ હજી નથી આવ્યો ત્યાં જ બીજી વાર આગ લાગી છે તેનું કારણ પણ હાલ અકબંધ છે.
થોડા દિવસ અગાઉ જ વડોદરા નજીક આવેલી કોયલી ગુજરાત રિફાઈનરીમાં ટેન્કમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. જેમાં ઘટનામાં બે કર્મચારીઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ સમગ્ર મામલે જીલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતાં. હજુ તો આ ઘટના ભુલાઈ નથી અને આ ઘટના કયા કારણોસર બની તે અંગેના રિપોર્ટ પણ એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યો નથી. ત્યારે આજે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત છે કે, આ આગ લાગી હોવાની માહિતી સ્થાનિક પોલીસને અપાય છે અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં સ્થાનિક ફાયારની મદદથી આગને કાબુમાં લેવામાં આવી છે. આ આગ લાગવાનું પ્રથામિક કારણ કેબલમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે છતા આ અંગે અમે તપાસ કરીશું.
