આખરે આજે વિજય મુહૂર્તમાં ભર્યું સી.આર.પાટીલે ફોર્મ

સૂરત: લોકસભા ચૂંટણીનો શંખદાન થઈ ચૂક્યો છે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારી બેઠક પર ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમણે વિજય મુહૂર્ત 12:39ના સમયમાં પોતાનું નામાંકન નોંધાવ્યું. તેમની સાથે ફોર્મ ભરતા સમયે રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.

સી.આર.પાટીલ 18 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવવાના હતા. પરંતુ જંગી રેલીના કારણે તેઓ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા અને તેમણે ઉમેદવારી પત્ર ભર્યુ ન હતું. ગુરૂવારે યોજેલી જંગી રેલીમાં સી.આર પાટીલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત હજારો સમર્થકો જોડાયા હતા. રેલી દરમિયાન લોક ગાયક ગીતા રબારી અને કિર્તીદાન ગઢવીએ પોતાના સૂરીલા અંદાજમાં પાટીલનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત તેમણે બહુમતીથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.