દેશના GDPમાં 7.6 ટકાનો ફાળો આપતું રાજ્ય, કારણમાં આ નીતિ…

અમદાવાદ- આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ-ર૦૧૯ પૂર્વે આજે અમદાવાદ ખાતે આજે ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટીવ કમિટી બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ પ્રસંગે રૂપાણીએ ગુજરાતના વિકાસમાં ફિક્કીના યોગદાન અને વાયબ્રન્ટ સમીટની સફળતામાં ફિક્કીના સહયોગની પ્રસંશા કરી હતી.મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતીઓના ડી.એન.એ.માં જ ઉદ્યોગ સાહસિકતા વણાયેલી છે. વ્યાપાર-વણજ ગુજરાતીઓના લોહીમાં છે. ગુજરાત દેશની ૫ ટકા વસતી અને ૬ ટકા ભૂમિ ભાગ ધરાવે છે છતાં, દેશના જી.ડી.પી.માં ૭.૬ ટકા ફાળો આપે છે. નિકાસમાં ૨૨ ટકા, સ્ટોક કેપિટલાઇઝેશનમાં ૩૦ ટકા, ઉત્પાદનમાં ૧૯ ટકા તથા પૂંજી નિવેશમાં ૮ ટકા ફાળો ગુજરાત આપે છે.

ઇઝ ઓફ ડુંઈગ બિઝનેસમાં ગુજરાત આગળ છે. કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં ગુજરાત દેશમાં લીડર છે, તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાત ગ્લોબલ લીડર છે. ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય હોવા સાથે ઉદ્યોગોને અનુકૂળ તૈયાર માનવબળ પૂરું પાડવા માટે સ્કીલ ઇન્ડિયા અંતર્ગત યુવાનોને સમયાનુકૂળ તાલીમ આપી સજ્જ બનાવ્યાં છે.

મુખ્યપ્રધાને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથેની પ્રશ્નોત્તરીમાં જણાવ્યું કે, ગુજરાતે ઉદ્યોગ અનુકૂળ ર૩ જેટલી નીતિઓ બનાવી ઉદ્યોગજગતને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો માટે રૂા.૧૦૦૦ કરોડના કેશ ઇન્સેન્ટિવ આપ્યાં છે. કચ્છ, સાણંદ, વિઠ્ઠલાપુરને ઉદ્યોગ ધંધાથી ધમધમતા કર્યા છે તો ધોલેરામાં સિંગાપોરથી મોટો ઔદ્યોગિક ઝોન ઉભો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ૧૫ વર્ષથી રોજગારી આપવામાં દેશમાં ગુજરાત નંબર -૧ રાજ્ય બની રહ્યું છે.

ફિક્કીના રસેશભાઇ શાહે રાજ્ય સરકારની ઉદ્યોગ સાનુકૂળ નીતિઓની સરાહના કરી હતી. તેમણે આગામી વાઇબ્રન્ટ સમિટમાં ફિક્કી દ્વારા સંપૂર્ણ સહયોગ સાથે ઉત્સાહથી ભાગ લેવાની ખાતરી આપી હતી.