સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જાળવણી ખર્ચ કેટલો? હાર્દિક પટેલે કહ્યું!

અમદાવાદ- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વડાપ્રધાનના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઈને પાસના નેતા હાર્દિક પટેલે સરકારના વિરોધમાં નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલના ઓફિશિયલ ફેસબૂક પેજ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેઈન્ટેન્સ ખર્ચને લઈને એક પોસ્ટ લખવામાં આવી છે. હાર્દિક દ્વારા કહેવામાં આવ્યું છે કે,  દેશના પહેલા ગૃહપ્રધાન સરદાર પટેલની મૂર્તિનું ઉદઘાટન થતાં જ આ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બની ગઇ. આ દેશ માટે ગૌરવની વાત છે અને આનાથી જોડાયેલી બધી માહિતીઓ સામે આવી રહી છે. પણ શું તમને ખબર છે આની સંભાળ રાખવા માટે કેટલો ખર્ચ થવાનો છે અને આ પૈસા ક્યાથી આવશે? નહીં ને. તો જાણો અહીં.

હાર્દિકે પોસ્ટમાં ખર્ચની ગણતરી આ રીતે સમજાવી છે.

જો આના 15 વર્ષ સુધીની સારસંભાળની વાત કરીએ તો આના પર 657 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનું અનુમાન છે. વળી, વર્ષ પ્રમાણે ખર્ચ 43.80 કરોડ રૂપિયાનો આવે છે. આનો અર્થ એ થયો કે આ પ્રતિમા પર દરરોજ 12 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.આ મૂર્તિની સારસંભાળ માટે કેન્દ્ર સરકારની પાંચ પીએસયુ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) ઓએનજીસી, એચપીસીએલ, બીપીસીએલ, ઇન્ડિયન ઓઇલે મળીને 146 કરોડ રૂપિયાથી વધારે એકઠા કર્યા છે. આ રકમ તેમને સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબલિટી) અંતર્ગત આપી છે. સામાન્ય રીતે આવી રકમનો યૂઝ સ્કૂલ કે હૉસ્પીટલ ખોલવા માટે થાય છે.ખરેખર, કોર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીનો હેતુ સામાજિક જવાબદારીઓનો હોય છે. જે અંતર્ગત આ લોકો તેમની કમાણીમાં થયેલા નફાના 2 % સામાજિક કલ્યાણના કામમાં આપવાના હોય છે. આ પૈસાનો ઉપયોગ પ્રતિમાની સારસંભાળ પર આવનારા ખર્ચમાં કરવામાં આવવાનો છે.