અમદાવાદઃ રાજ્યભરમાં આવેલા હવામાનના પલટાને કારણે કોરોના વાઇરસ વકરવાની સંભાવના છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેથી ડોક્ટરોએ હવે એક મોટી ચિંતા વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુને લીધે કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. રાજ્યમાં વાદળછાયા અને ભેજવાળા વાતાવરણમાં શરદી, ખાંસી અને તાવના કેસના લીધે કોરોનાનો ચેપ લાગવાનો ભય વધુ રહેલો છે.
એએમએના પ્રમુખ ડો. કિરીટ ગઢવીએ કહ્યું હતું કે રાજ્યમાં હાલ ઠંડી, વરસાદથી વાઇરસના જંતુઓ હવામાં વધુ સમય રહે છે, જેથી સંક્રમણ વધે એવી ધારણા છે. વળી હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે. જેથી લોકો સામાજિક પ્રસંગોએ એકઠા થાય છે. તેમણે જણાવ્યું હતું કે વેક્સિન ન શોધાય ત્યાં સુધી માસ્ક પહેરવા લોકોને સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતભરના વાતાવરણમાં આવેલા પલટાના કારણે તબીબી આલમે પણ કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યક્ત કરી છે.
હાઈકોર્ટ ત્રણ દિવસ બંધ રહેશે
હાઇકોર્ટની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધતાં આજથી ત્રણ દિવસ હાઈકોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટને આ દરમિયાન સેનેટાઇઝ કરવામાં આવશે.