રાજ્યના 11 જિલ્લામાં માવઠું, કરા સાથે વરસાદ તો ક્યાંક ભારે પવન, 10નાં મોત

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના 11 જિલ્લાના 38 તાલુકાઓમાં વાતાવરણ પલટાયું છે અને ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન ફૂંકાયાં છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતાં આ પ્રકારે ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સાથે તાપમાનનો પારો ગગડીને 40ની અંદર આવી ગયો હતો.

આજે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં બરફના કરા વરસ્યા હતા. સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ભાવનગર, માળીયા મિયાણા, પડધરી, વાંકાનેર જેવા વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. ત્યારે આ પ્રકારે કમોસમી વરસાદ પડતાં કેરી સહિત ખેતરના ઉભા પાકને નુકશાન થવાની ભીતી સર્જાઈ  છે. તો વિવિધ સ્થળે ઝાડ પડવા, વીજળી પડવા, દ્રશ્યતા ઘટતાં અકસ્માત થવા જેવી ઘટનાઓને લઇને કુલ 10 વ્યક્તિના મોત નીપજ્યાં છે.

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો હાલ રાજ્યભરમાં બપોરે 3 વાગ્યા બાદ અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી હતી. તો મહેસાણામાં વીજળી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

સુરેન્દ્રનગરમાં લોકોને પણ કમોસમી આફતનો સામનો કરવો પડ્યો હતો. મેથાણ ગામે કરા પડ્યા હતા. પડધરીના ખાખડાબેલા ગામે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. કરા પડતા મકાનની દિવાલો ધારાશાહી થઈ ગઈ હતી. ખાખડાબેલા ગામે બરફના કરા પડવાથી ભારે નુકશાન થયું હતું. પડધરીથી મીતાણા રોડ ઉપર વાવાઝોડુ આવતાની સાથે રોડ પર લીમડાનું એક વૃક્ષ ધરાશાહી થઈ ગયું હતું. આ સમયે પડધરી મીતાણા રોડ ઉપર ટ્રાફીક જામ થઇ ગયો હતો. લગભગ 1કલાક સુધી વાહનની અવરજવર બંધ રહી હતી.

 

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)