લોકસભાની ચૂંટણીમાં ‘નોટા’ હારજીતના સમીકરણો બદલશે?

વા અબજથી વધુની વસતી અને વિશ્વનું સૌથી જટિલ લોકતંત્ર, જ્યાં વૈવિધ્યનો પાર નથી. આવા આપણાં દેશમાં મહાન લોકશાહી પર્વ તરીકે સામાન્ય ચૂંટણીઓ આવી ગઈ છે. 2013માં નોટા વિકલ્પ મળ્યો ત્યારથી લઈને એક લોકસભા અને 37 વિધાનસભા ચૂંટણીઓમાં નોટા વપરાયો છે તે ભારતના મજબૂત લોકશાહીતંત્રની સફળતા કહી શકાય. ચૂંટણીઓ સાથે સંકળાયેલી સંસ્થાના એક અભ્યાસ મુજબ 1.33 કરોડ મત નોટા હેઠળ દર્જ થઈ ચૂક્યાં છે.

નોટા કેમ બન્યો?

મત આપવો એ દરેક નાગરિકની ફરજ છે, પણ ચૂંટણીમાં ઉભા રહેલા કોઈ ઉમેદવાર તમને પસંદ ન હોય તો તમે ઈવીએમમાં નોટા બટન દબાવી શકો છો. નોટા એટલે ચૂંટણીમાં લડી રહેલ ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારને મત આપવા ઈચ્છતા નથી. ઉમેદવારો પ્રત્યે અસંતોષ દર્શાવવાનો રસ્તો છે. ‘None of The Above’ તેના પરથી નોટા શબ્દ બન્યો છે. સુપ્રીમ કોર્ટે 2013માં તમામ વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં નોટાનો વિકલ્પ આપવાનો આદેશ કર્યો હતો. આપને જાણીને આશ્ચર્ય થશે કે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5.52 લાખ મતદારોએ નોટાના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. જેનાથી ગુજરાત વિધાનસભાની 23 બેઠકો પર હાર-જીતના માર્જિન કરતાં નોટાને વધુ મત મળ્યા હતા. પણ હવે 23 એપ્રિલ, 2019ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં નોટાનો વિકલ્પ ભાજપ કે કોંગ્રેસના હારજીતના સમીકરણનો ખેલ બગાડશે…

રસાકસીના ખેલમાં એકએક મત અણમોલ

આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જામી છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુકયું છે. અને હવે બીજા તબક્કાનું 97 બેઠકો માટે મતદાન 18 એપ્રિલે છે. અને ગુજરાતમાં 26 બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થશે. રાજકીય રીતે જોતાં ગુજરાતમાં છ બેઠકો એવી છે, કે જ્યાં ભારે રસાકસી થાય તેવી પૂરી શક્યતા છે. તેની ચર્ચા નહીં કરીએ પણ નોટાનો વિકલ્પ કેટલીક બેઠકો પર હારને જીતમાં અથવા તો જીતને હારમાં પલટી શકે છે. મતદારો નોટાનો વિકલ્પ પસંદ કરશે તો ગુજરાતમાં કેટલીક રસાકસીવાળી બેઠકો પર અણધાર્યા પરિણામ આવી શકે તેમ છે.

અણધાર્યાં પરિણામ લાવી શકે નોટા

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 23 બેઠકો પર હારજીતના માર્જિન કરતાં નોટાને મળેલા મત વધારે હતા. એટલે કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, કે જેના પરિણામોમાં બહુ મોટા તફાવત ઉભા કરી દેવાની તાકાત નોટાના બટનમાં રહેલી છે. જો નોટાનું બટન દબાવનાર મતદાતાએ કોઈ એક ઉમેદવારને મત આપ્યો હોત તો પરિણામ સાવ વિપરીત હોત. આમ વિધાનસભામાં નોટાનો વિકલ્પ પસંદ કરનારા 5.52 લાખ મતદારો હતા, જે લોકસભાની ચૂંટણીમાં પુનરાવર્તન ન થાય તેની ચિંતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ કરી રહ્યાં છે.

નોટાની અસરકારકતાની આ છે સાબિતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 23 બેઠકો પર નોટાને મત આપનારા મતદારોએ જો હારેલા ઉમેદવારને મત આપ્યો હોત, તો તેની જીત થાત. વિધાનસભાની કપરાડા બેઠકની વાત કરીએ તો હારજીતનું માર્જિન 170 મતનું હતું, તેની સામે નોટામાં 3868 મત પડ્યા હતા. ગોધરામાં હારજીતનું માર્જિન 258 મતનું હતું, તેની સામે 3050 મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો છે. ધોળકામાં હારજીતનું માર્જિન 327 મતનું હતું, તેમાં 2347 મત નોટામાં પડ્યા હતા. એવી જ રીતે માણસામાં 524 મતનું હારજીતનું માર્જિન હતું, જ્યારે નોટામાં 3000 મત પડ્યા હતા. દિઓદરમાં હારજીતનું માર્જિન 972 મતનું હતું, તેની સામે નોટામાં 2988 મત પડ્યા હતા.

આ વિગતો પરથી એક વાત નક્કી છે કે લોકસભાની ચૂંટણીમાં પણ નોટાનો વિકલ્પ હારજીતના સમીકરણો બદલશે.

2017 વિધાનસભાની ચૂંટણીમાં 23 બેઠકો પર નોટાને મળેલા મત પર એક નજર કરીએ….

બેઠક            માર્જિન       નોટા

કપરાડા         170         3868

ગોધરા          258        3050

ધોળકા          327        2347

માણસા        524         3000

દીઓદર       972         2988

બોટાદ        906         1334

છોટાઉદેપુર    1093         5870

ડાંગ         768          2184 

હિંમતનગર    1712       3334

વાંકાનેર      1361       3170

સોજીત્રા    2388       3112

તળાજા    1779       2918

મોડાસા    1664        3681

ફતેપુરા    2711       4573

ધાનેરા    2093     2341

ઉમરેઠ    1883      3710

વિજાપુર   1164      1280

વિસનગર   2869    2992

માતર   2406     4090

પોરબંદર  1855    3433

રાજકોટ ગ્રામ્ય  2179   2559

જેતપુર    3052    6155

ખંભાત    2318    2331

 

નોટાના આવ્યાં બાદના નિષ્ણાતો દ્વારા કરાયેલા વિશ્લેષણમાં એક તથ્ય સાફ ઝળકે છે કે નોટામાં જતાં મત ઓછાં હોય છે તેમ છતાં નગણ્ય નથી હોતાં. વળી, એક પછી એક ચૂંટણીઓમાં નોટા દબાવનારા મતદારો વધ્યાં છે. જે દર્શાવે છે કે નોટા અંગેની જનજાગૃતિ વધી રહી છે. નોટાની આગામી દરેક ચૂંટણીઓમાં ખાસ ભૂમિકા રહેશે અને કદાચ વધુ બળવત્તર બની રહેશે. કહી શકાય કે રાજકીય પક્ષો દ્વારા જે રીતે ઉમેદવાર પસંદગી કરવામાં આવે છે તેની સામે કચકચાવીને તમાચો ફટકાર્યો હોય તેવો રોલ મતદાતાઓની ખીજરુપે બહાર પડે તે છે નોટાનો ન્યાય…

અહેવાલઃ પારુલ રાવલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]