23મીએ રજા નહીં આપો તો દંડાત્મક પગલાં, નોકરીદાતાઓને ચીમકી

અમદાવાદ- 23મી અપ્રિલના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની 4 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. આ ચાર બેઠકોમાં ૨૧-ઉંઝા,૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય અને ૮૫-માણાવદર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

સને ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સને ૧૯૯૬ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-૧૩૫(બી) અનુસાર મતાધિકાર ધરાવતી વ્યક્તિ કોઈપણ ધંધા,રોજગાર,ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે.

રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી કે કામદારોના કિસ્સામાં પણ મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ નોકરીદાતાએ તેને રેગ્યુલર પગાર કે મહેનતાણું ચુકવવાનું રહેશે. આ જોગવાઈનું ઉલ્લઘન કરનાર માલિક/નોકરીદાતા દંડને પાત્ર રહેશે.

આથી ધંધા-રોજગાર-ઔદ્યોગિક એકમ અને અન્ય સંસ્થાઓના માલિકોને જણાવવામાં આવ્યું છે કે તેમના કર્મચારીઓને ૨૩/૦૪/૨૦૧૯,મંગળવારના રોજ જ્યાં ચૂંટણીઓ યોજાનાર છે તેવા લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી તથા ૨૧-ઉંઝા,૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય અને ૮૫-માણાવદર વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી-૨૦૧૯માં સમાવિષ્ટ વિસ્તારમાં આ દિવસે ચૂંટણીઓમાં મતદાન કરવાના હેતુસર રજા આપવી.