એક શામ બચ્ચો કી મુસ્કુરાહટ કે નામ…

અમદાવાદઃ રવિવારના આપણે આરામ કરવાનું પસંદ કરીએ કે હરવા-ફરવાનું વિચારીએ, પણ તનાવથી ભરપૂર જીવનની દૈનિકની દોડધામમાં જે માનસિક થાક લાગ્યો હોય છે એને દૂર કરવા કેટલાક લોકો અનોખી સામાજિક, સેવાભાવી પ્રવૃત્તિમાં જોડાય છે. સમાજમાં સેવાના સંકલ્પ સાથે બસ સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટે 19 ફેબ્રુઆરી રવિવારે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું…

‘એક શામ બચ્ચો કી મુસ્કુરાહટ કે નામ’…

સત્કર્મ ફાઉન્ડેશનનાં સોનલબહેન આચાર્ય ચિત્રલેખા.કોમને કહે છે, અમારી આખી ટીમ ગોકુલ આશ્રમ જે ઓગણજ વિસ્તારમાં આવેલો છે. આ આશ્રમમાં ૧૪૦ બાળકો છે. આમાંથી ઘણાં બાળકો અનાથ છે.  અમુક બાળકો મજૂર વર્ગમાંથી આવે છે. આ બાળકો ત્યાં આશ્રમમાં જ રહે છે,  ભણે છે. આશ્રમમાં જીવન જરૂરિયાતની વસ્તુઓથી પણ ઘણી વાર આ બાળકો વંચિત રહે છે.

સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટે તેમની સાથે સમય વિતાવવાનું અને તેમને મનોરંજન પૂરું પાડવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. સોનલબહેન કહે છે, બાળકો સાથે ત્યાં વાતચીત કરી. તેમને ગમે એવી રમતો ત્યાં રમાડી જેમ કે સંગીત ખુરશી, લંગડી રેસ, ફુગ્ગો ફુલાવાની સ્પર્ધા વગેરે. બાળકો સાથે ત્યાં ભજન ગીતો તથા પ્રાર્થના ગાઈને માહોલને સંગીતમય બનાવ્યો.

સંસ્થાએ લગભગ બે કલાક જેવો સમય મનોરંજનમાં પસાર કરીને બાળકોને જમવાની વ્યવસ્થા કરી. પૂરી-છોલે પુલાવ તથા કઢી જે બાળકોને ખૂબ જ ભાવે છે – એની વ્યવસ્થા કરવામાં આવી હતી. આખી ટીમ માટે આ બાળકોને પીરસવું તથા જમાડવાનો એક લહાવો હતો. બાળકોને જમ્યા પછી ચોકલેટ અને ફુગ્ગાઓ આપીને ફરી થોડી વાર મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ 140 બાળકોની શિસ્ત ખરેખર બિરદાવા લાયક હતી.

સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ આવી અલગ-અલગ રચનાત્મક પ્રવૃત્તિઓ અવારનવાર કરે છે  અનાથ આશ્રમ હોય કે અંધશાળા, મજૂર વર્ગ માટે ગરમ નાસ્તાનું પ્રયોજન હોય કે વૃદ્ધાશ્રમમાં વડીલો માટે જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવાનો પ્રયાસ, હેલ્થ કિટનું વિતરણ હોય કે શૈક્ષણિક કાર્યો- સત્કર્મ  ફાઉન્ડેશન ટ્રસ્ટ બનતા પ્રયત્નો કરે છે. સત્કર્મ  ફાઉન્ડેશન ટ્રસ્ટની શરૂઆત સોનલ કેતન આચાર્ય એ કરી હતી. જેમ-જેમ પ્રવૃત્તિઓ આગળ વધતી ગઈ એમ ટીમમાં સેવાભાવી લોકો જોડાતા ગયા. નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરવી એ જ હેતુ આ સંસ્થાનો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]