આઠ બેઠકોની પેટા-ચૂંટણીઃ શાંતિપૂર્ણ મતદાન, સરેરાશ 58.14%

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થયું છે. કયાંક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે તો કયાંક મતદાન નીરસ રહ્યું છે. આ પેટા ચૂંટણીમાં આઠે બેઠકો ઉપર 81 ઉમેદવારો સ્પર્ધામાં છે. ત્યારે રાજકીય વિશ્લેષકો હવે મતદાનને લઇને મંથન શરૂ કર્યું છે. રાજ્યમાં સરેરાશ 58.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે ડાંગમાં 74.71 ટકા મતદાન નોંધાયું છે. કુલ જયારે સૌથી ઓછું ધારી બેઠક પર 45 ટકા મતદાન થયું છે.

મતદાન મથક મતદાન (ટકાવારીમાં)
કપરાડા  67.34
 ધારી  45.74
 ડાંગ 74.71
કરજણ  65.94
 મોરબી  51.88
અબડાસા 61.31
ગઢડા 47.86
 લીંબડી  56.04

 

મોરબીમાં 20 જગ્યાએ EVMમાં ખરાબી

મોરબીમાં 20 જગ્યાએ EVMમાં ખરાબી જોવા મળી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણ તમામ EVMને બદલવામાં આવ્યાં હતાં. જોકે બપોર બાદ મતદાન મથકો પર મતદારો ફરક્ નહોતા. જેથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં નિરાશા વ્યાપી ગઇ છે.

બે લેખિત ફરિયાદ

કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં બે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. મોરબી અને કરજણ મુદ્દે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર પર મતદાન સમયે પણ પ્રચાર કરતા હોવાની ફરિયાદ કરી છે. ત્યાં જ ભાજપે કોંગ્રેસના એજન્ટોને હેરાન કરતા હોવાની ફરિયાદ કરી છે..

 કરજણનો એક વિડિયો વાઇરલ

કરજણનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમા કેટલાક લોકો રિક્ષામાં બેસી મતદાન કરવા જતા મતદાતાઓને રોકડા રૂપિયા આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે EVMનું પ્રથમ બટન દબાવી ભાજપને વોટ આપજો, આ મામલે વાઇરલ વીડિયો બાદ અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

મતદાન મથકો સૂમસામ

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારના મતદારોમાં નિરાશા જોવા મળી રહી હતી.. ભાજપનો ગઢ ગણાતા લીંબડી શહેરી વિસ્તારના અનેક મતદાન મથકોમાં બપોર થઈ હોવા છતાં મતદાન મથકો સૂમસામ નજરે પડી રહ્યા હતા.

જોકે ગુજરાત વિધાનસભાની આઠ પેટા-ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. હવે મતગણતરી 10 નવેમ્બરે થવાની છે.