HNGUમાં શિક્ષણનો ‘છબરડો’, 2025માં 2024નું પેપર અપાયું!

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણમાં એલએલબી સેમેસ્ટર-4ની પરીક્ષામાં માર્ચ 2024નું જૂનું પેપર બેઠેબેઠું પૂછી લેવાયું છે. આ ઘટનાએ યુનિવર્સિટીની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આ મામલે સોશિયલ મીડિયા દ્વારા શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીની પોલ ખોલી છે, જેની ચર્ચા હવે સમગ્ર રાજ્યમાં થઈ રહી છે.

શું છે આખો મામલો?
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેઠળની સંસ્થાઓમાં એલએલબી સેમેસ્ટર-4ની પરીક્ષાઓ હાલ ચાલી રહી છે. 7 એપ્રિલ, 2025ના રોજ ન્યાયશાસ્ત્ર (Jurisprudence) વિષયનું પેપર લેવાયું હતું. પરંતુ આ પેપર માર્ચ 2024નું હતું, જેમાં વર્ષ, મહિનો, પ્રશ્ન ક્રમાંક કે સમય બદલવાની પણ તસદી લેવામાં ન આવી. એટલે કે, એક વર્ષ જૂનું પેપર બેઠેબેઠું 2025ની પરીક્ષામાં પૂછી લેવાયું. આ ઘટના એમ.એન. લૉ કોલેજ અને ઊંઝા લૉ કોલેજમાં બની હોવાનું સામે આવ્યું છે, અને બની શકે કે અન્ય કોલેજોમાં પણ આવી લાપરવાહી થઈ હોય.

વિદ્યાર્થીઓને આ બેદરકારીની જાણ ઘરે પહોંચ્યા બાદ થઈ, જ્યારે તેઓએ પેપરની તપાસ કરી. યુનિવર્સિટીના સત્તાધીશો, પરીક્ષા નિયામક કે કોલેજ દ્વારા પેપરની ક્રોસ-ચેકિંગની પ્રક્રિયા પણ નહોતી કરવામાં આવી, જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામી દર્શાવે છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે યુનિવર્સિટીની બેદરકારીને ‘અંધેરી નગરી, ગંડું રાજા’ની સ્થિતિ સાથે સરખાવી. તેમણે જણાવ્યું કે, “અમે બે કોલેજનાં પેપર ચેક કર્યાં, જેમાં આ લાપરવાહી સ્પષ્ટ દેખાય છે. બની શકે અન્ય કોલેજોમાં પણ આવું થયું હોય. HNGU અને સરકારને વિનંતી છે કે તેઓ આ બાબતે તાત્કાલિક પગલાં લે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને વર્ષ બગડે નહીં.” યુવરાજ સિંહે અગાઉ પણ વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવ્યો છે અને શિક્ષણ વિભાગની ખામીઓને ઉજાગર કરતી પોસ્ટ્સ કરી છે.

આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી પાસે તાત્કાલિક પગલાંની માગ કરી છે. તેઓનું કહેવું છે કે આવી બેદરકારીને કારણે પરીક્ષાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલ ઉભા થાય છે. વિદ્યાર્થીઓએ માગણી કરી છે કે આ પેપર રદ કરીને નવું પેપર લેવામાં આવે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે. આ ઘટનાએ શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીની કામગીરી પર મોટો સવાલ ઉભો કર્યો છે. યુનિવર્સિટીએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, જે તેમની ઉદાસીનતા દર્શાવે છે. આવી બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. જો સરકાર અને યુનિવર્સિટી આ મામલે તાત્કાલિક પગલાં નહીં લે, તો વિદ્યાર્થીઓમાં રોષ વધુ વકરી શકે છે.