અમદાવાદઃ આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)ની 15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સ બુધવારે સંસ્થાના કેમ્પસમાં શરૂ થઈ હતી. ‘ઉદ્યોગસાહસિકતા’ પર આયોજિત આ ત્રિદિવસીય કોન્ફરન્સ 24 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. કોન્ફરન્સ ઉદ્યોગસાહસિકતાના વિકાસનાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધકો, શિક્ષાવિદો અને પ્રેક્ટિશનર્સ માટે તેમનાં સંશોધન અભ્યાસો અને તારણો એકમેક સાથે વહેંચવા મંચ પ્રદાન કરે છે.
આ કોન્ફરન્સમાં 10થી વધારે દેશોના વિદ્વાનોએ સામાજિક, પર્યાવરણન, મહિલા, કૃષિ, ડિજિટલ, MSME અને સર્વસમાવેશક ઉદ્યોગસાહસિકતા જેવા વિષયો પર 125થી વધારે પેપર અને અભ્યાસો પ્રસ્તુત કર્યા હતા. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB), હૈદરાબાદના આંતરપ્રિન્યોરશિપ (પ્રેક્ટિસ)ના પ્રોફેસર ડો. કવિલ રામચંદ્રને કર્યું હતું. આ પ્રસંગે પ્રોફેસર ડો. ગેબ્રિયલ દવોમોહ, પ્રો-વાઇસ ચાન્સેલર, કુમાસી ટેકનિકલ યુનિવર્સિટી, ઘાના; ડો. અજિત કે મોહન્તી, એમિરટસ ફેલો, ઉત્કલ યુનિવર્સિટી, ભુવનેશ્વર; મહિન્દ્રા યુનિવર્સિટી, હૈદરાબાદની સ્કૂલ ઓફ મેનેજમેન્ટના આંતરપ્રિન્યોરશિપના ડીન અને પ્રોફેસર, ડો. રામક્રિષ્ના વેલામુરી અને EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લા ઉપસ્થિત હતા.
ડો. કવિલ રામચંદ્રને કહ્યું હતું કે ઉદ્યોગસાહસિકતા અત્યારે સંશોધન અને નીતિનિર્માણનું હાર્દ છે. ઉદ્યોગસાહસિકતાનો વિચાર દુનિયાભરમાં લોકો વચ્ચે વધુ ને વધુ સ્વીકાર્યતા મેળવી રહ્યો છે. અત્યારે દેશમાં ઉદ્યોગસાહસિકતા માટે વાતાવરણ સાનુકૂળ છે.
આ કોન્ફરન્સને સંબોધન કરતાં ડો. સુનીલ શુક્લાએ કહ્યું હતું કે આ દ્વિવાર્ષિક કોન્ફરન્સ ઉદ્યોગસાહસિકતાનાં વિવિધ ક્ષેત્રોમાં વિચારોનું આદાનપ્રદાન કરવા અને કીમતી પ્રતિભાવ આપવા દુનિયાભરના સંશોધકો અને એજ્યુકેટર્સ માટે એક મંચ તરીકે જળવાઈ રહેશે. ઉદ્યોગસાહસિકતામાં સંશોધન માટે ત્રણ પરિબળો ચાવીરૂપ છે- સમાધાનોની ઓળખ કરવી નવી તકો ઝડપવી તથા ઇનોવેશન કરવું. કોન્ફરન્સમાં રજૂ થયેલા સંશોધનનાં તારણો અને પેપર્સમાં ઉદ્યોગસાહસિકતામાં નવા પરિપ્રેક્ષ્ય અને વિકસતા પ્રવાહો વિશે જાણકારી આપવામાં આવી છે.
આ કોન્ફરન્સના ભાગરૂપે, વાઇસ ચાન્સેલર્સ/ડિરેક્ટર્સ કોન્ક્લેવનું આયોજન પણ થયું હતું. તેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના સંદર્ભમાં ઉદ્યોગસાહસિકતાના શિક્ષણના મહત્વ પર પણ ચર્ચા થઈ હતી. આ કોન્ક્લેવમાં દેશની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.
આ કોન્ફરન્સનો અન્ય એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હતો – ડોક્ટરલ કોલોક્વિયમ. તેમાં દેશના Ph. D. વિદ્વાનો અને FPM વિદ્યાર્થીઓને તેમના સંશોધન કાર્ય પર માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી હતી. EDII વર્ષ 1994થી ઉદ્યોગસાહસિકતા પર દ્વિવાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરે છે.