ગુજરાતમાં પોલીસ વિભાગમાં ભરતી થવા માટે 11 હજાર યુવક યુવતીઓ તલ પાપડ થઈ રહ્યા છે. એ સામી બાજું એ રાજ્યના ઉચ્ચે પોલીસ અધિકારીઓ એક પછી એક રાજીનામું આપી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરકારને રાજીનામું સોપ્યું છે, જેના કારણે પોલીસ વિભાગમાં ભારે ચર્ચા છે.
2017માં GPSC મારફત પસંદગી પામેલી ડીવાયએસપી રૂહી પાયલાએ છ મહિના પહેલા રાજીનામું આપ્યું હતું, જે રાજ્ય સરકારે 25 ફેબ્રુઆરી, 2025ના રોજ સ્વીકારી લીધું. ગાંધીનગર પોલીસ ભવનમાં પોસ્ટેડ રહેલા રૂહી પાયલાએ રાજીનામું આપી પોલીસ વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો અને સમાજસેવા ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ અગાઉ 6 જાન્યુઆરી, 2025ના રોજ, જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ અચાનક રાજીનામું આપી ચકચાર મચાવી. હર્ષદ મહેતા (IPS)એ જણાવ્યું કે તેઓ 50 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની પહેલેથી જ યોજના બનાવી હતી અને હવે પરિવાર સાથે સમય વિતાવવા તેમજ આધ્યાત્મિક જીવન જીવવા માંગે છે.4 ફેબ્રુઆરી, 2025ના રોજ, 1998 બેચનાIPS અને રાજ્યના એડિશનલ ડીજીપી અભય ચુડાસમાએ પણ અચાનક રાજીનામું આપી દીધું. રાજ્યના પોલીસ વડાને સોંપાયેલા તેમના રાજીનામાથી પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ.
પોલીસ વિભાગની અગત્યની પોસ્ટ અને અગત્યના હોદ્દા પરથી માત્ર 2 જ મહિનાના સમયમાં 3 જેટલા પોલીસ અધિકારીઓના રાજીનામાંએ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે, પોલીસ વિભાગના ઉચ્ચ હોદ્દા પરથી થઈ રહેલા રાજીનામા વિષે કોઈ નક્કર કારણ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવતું નથી.
