ચૂંટણીને પગલે ગુજકેટ સહિતની કેટલીક પરીક્ષાની તારીખ ફરી અસમંજસભરી બની…

અમદાવાદ-આ વર્ષે ગુજકેટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અજબ રીતે પરીક્ષા તારીખને લઇને અનિશ્ચિતતાનો અનુભવ કરવો પડી રહ્યો છે. રવિવારે જાહેર થયેલી સામાન્ય ચૂંટણીઓની તારીખને લઇને વધુ એકવાર ગુજકેટના વિદ્યાર્થીઓએ નવી તારીખ યાદ રાખવી પડશે.ધોરણ 12 સાયન્સ પછી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ-ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખો આ વર્ષે પહેલં પણ બદલવી પડી હતી. આ પરીક્ષા સૌપહેલાં 30મી માર્ચે લેવાનું નક્કી થયું હતું. પરંતુ સીબીએસઈની ધોરણ 12ની એક વિષયની પરીક્ષા 30મી માર્ચ હોવાથી વિદ્યાર્થીઓ-વાલીઓની રજૂઆતને પગલે બોર્ડે ગુજકેટની તારીખ બદલીને 4થી એપ્રિલ કરી હતી. ત્યારબાદ સીબીએસઈએ પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરતા 4થી એપ્રિલે પણ એક વિષયની પરીક્ષા આવતી હોવાથી ગુજરાત શિક્ષણ બોર્ડે ફરી ગુજકેટની તારીખ બદલીને 23મી એપ્રિલ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

ગુજકેટ પરીક્ષા 23 એપ્રિલે જાહેર કરાઈ હતી તેમાં હવે આ જ તારીખે લોકસભા ચૂંટણી યોજાશે.  23મી એપ્રિલે ચૂંટણી થવાની છે તે જ તારીખે  ઇજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાની તારીખ પણ છે. પરંતુ મતદાન હોવાને કારણે હવે ત્રીજી વખત ગુજકેટની તારીખ બદલવાના સંજોગો ઊભાં થયાં છે. ઉપરાંત એપ્રિલના છેલ્લા સપ્તાહથી શરૂ થતી જીટીયુની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા મેમાં લેવાશે. જોકે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ લોકસભાની ચૂંટણી પહેલાં જ પૂરી થઈ જાય છે.
23મી એપ્રિલે ગુજકેટ માટે બોર્ડે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી દીધી છે જ્યારે વાલીઓ અને પરીક્ષાર્થીઓએ પણ બધુ પ્લાનીંગ એ રીતે જ કર્યું છે. ઘણાં વિદ્યાર્થીઓએ પરીક્ષા પછી ફરવા જવાનું પણ આયોજન કરી દીધું હતું. પરંતુ ફરી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાશે. ગુજરાત બોર્ડે હજુ સુધી નવી તારીખ નક્કી કરી નથી. બોર્ડ દ્વારા આ બાબતે અન્ય પરીક્ષાઓની તારીખો તપાસીને ગુજકેટની નવી તારીખ જાહેર કરી દેવાશે.