દૂધસાગરના હરિયાણા પ્લાન્ટના 77 કર્મીની મહેસાણામાં બદલી, વિવાદી મામલો

મહેસાણા- મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીનો હરિયાણામાં માનેસર પ્લાન્ટ આવેલો છે. આ માનેસર પ્લાન્ટના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયાં છે.  આ પ્લાન્ટમાં મહેસાણાના રહીશો નોકરી કરી રહ્યાં છે. જ્યાં ચારેક દિવસ પહેલા પરપ્રાંતીય લોકોએ માર મારતા પ્લાન્ટમાં હડતાળ પડી હતી, જેથી દૂધસાગર ડેરીએ કામ બંધ કરતાં 77 કર્મચારીઓની બદલી કરી છે. પણ આ કર્મચારીઓ મહેસાણા પાછાં આવવા તૈયાર નથી. દૂધસાગર ડેરીના માનેસર પ્લાન્ટમાં દૂધની ચોરી થતી અટકાવવા જતાં ડ્રાઈવરોએ સિક્યૂરિટી ગાર્ડને માર માર્યો હતો. આ ઘટના જ્યારે ઘટી ત્યારે કર્મચારી યુનિયનના પ્રમુખ સહિતના લોકો હાજર હતાં. જે પછી ત્યાંના કર્મચારીઓ દ્વારા સુરક્ષાના કારણોસર વિરોધ કર્યો હતો. જેને પગલે બે પ્લાન્ટના 77 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ ઘટના પછી આજે ચોથા દિવસે પણ કર્મચારીઓ સુરક્ષાની માંગ સાથે અડગ રહ્યાં છે, અને હડતાળ ચાલુ રાખી છે.
માનેસર પ્લાન્ટમાં સુરક્ષાને બદલે કર્મચારીઓની બદલી કરાઈ છે, જેથી કર્મચારીઓ મેનેજમેન્ટને સવાલ પૂછી રહ્યાં છે કે સુરક્ષાની ખાતરી કેમ ન આપી. હુમલાખોર સામે પગલાં લેવાયા નથી. કર્મચારીઓએ પ્લાન્ટના સ્થળ પર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતાં, હમારી માંગે પુરી કરો… જ્યાં સુધી અમારી માંગણી પુરી નહી થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.