શિક્ષણ ક્ષેત્રે કંઈક નોખું કરવું એ ગુજરાતીઓના લોહીમાં છેઃ PM

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ એક્સપો-22નું ઉદઘાટન કર્યા પછી અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદઘાટન કર્યું છે.  અડાલજમાં તેમણે એક જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે 20 વર્ષ પહેલાં રાજ્યમાં 100માંથી 20 ટકા બાળકો સ્કૂલ જ જતા નહોતા, વિદ્યાર્થીઓ ધોરણ આઠમા સુધી માંડ-માંડ ભણતા, પણ હવે જમાનો બદલાયો છે.

સૌપ્રથમ વાર  હું આદિવાસી વિસ્તારમાં ગયો ત્યારે મેં કહ્યું હતું કે હું ભિક્ષા માગવા આવ્યો છું, મને તમારાં બાળકો આપો અને હું આંગળી પકડીને સ્કૂલ લઈ ગયો હતો. હું મુખ્ય પ્રધાન હતો ત્યારે ગામડે-ગામડે જઈને બાળકીઓને સ્કૂલમાં સૌ મોકલે એવો આગ્રહ કર્યો હતો. અમે પ્રવેશોત્સવ સમયે ગુણોત્સવની પણ શરૂઆત કરી હતી.

આજે 5G, સ્માર્ટ સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ ટીચિંગથી આગળ વધીને આપણી શિક્ષા વ્યવસ્થાને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. હવે વર્ચ્યુઅલ રિયાલિટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સની તાકાતને પણ સ્કૂલોમાં અનુભવ કરી શકાશે.આપણે શિક્ષણ ગુણવત્તા પર સૌથી વધારે બળ આપ્યું છે, રાજ્યમાં બે લાખથી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે., બે દસકામાં સવા લાખથી વધુ ક્લાસરૂમ બન્યા છે, આપણે બે દસકામાં ગુજરાતના લોકોએ શિક્ષણની કાયાપલટ કરી નાખી છે.

રાજ્યમાં એક દાયકા પહેલાં 15,000 સ્કૂલોમાં ટીવી પહોંચી ગયાં હતાં. હાલ 20,000 સ્કૂલનાં બાળકો કોમ્પ્યુટરથી અભ્યાસ કરે છે. નવી શિક્ષણ નીતિનો રાજ્યમાં અમલ થતો દેખાય છે. નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતાથી બહાર કાઢી નવું જ્ઞાન આપશે.દેશમાં સ્કૂલની પણ અલગ-અલગ જનરેશનને પણ આપણે જોઈ છે. શિક્ષણ વ્યવસ્થાને આગળના લેવલ પર આ મિશન લઈ જશે. હું ભૂપેન્દ્રભાઈ અને તેમની ટીમને શુભેચ્છા આપું છું.

રાજ્યના શિક્ષણ જગત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, કેમ કે વડા પ્રધાનને હસ્તે અડાલજના ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું પણ ઉદઘાટન થયું છે. તેમણે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અથાગ પ્રયાસો કર્યા છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.