જૂનાગઢ એ તો સિંહની ધરતી અને નરસિંહની ભૂમિઃ PM મોદી

જૂનાગઢઃ વડા પ્રધાન મોદી જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ ગીર સોમનાથ અને પોરબંદરમાં રૂ. 4100 કરોડથી વધુનાં વિકાસકાર્યોની જાહેરાત કરશે. તેમની જાહેર સભા જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં યોજવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે જૂનાગઢ એ તો સિંહની ધરતી અને નરસિંહની ભૂમિ છે. છેલ્લાં 20 વર્ષમાં ગીરના સિંહની સંખ્યા ડબલ થઈ ગઈ છે. જૂનાગઢની કેસર કેરીની મીઠાશ તો વિશ્વમાં પહોંચી છે. છેલ્લાં 20 વર્ષમાં મત્સ્ય ઉદ્યોગની નિકાસ સાત ગણી વધી છે. આજે રાજ્યમાં ત્રણ ફિશિંગ હાર્બર વિકસિત કરવાનો શિલાન્યાસ થયો છે.  તેમણે કહ્યું હતું કે તમે મને ત્યાં મોકલ્યો તો તમારો રોપવે પણ આવી ગયો છે. દેશનાં મોટાં-મોટાં શહેરોને મળે એ મારા જૂનાગઢને પણ મળવું જોઈએ. ‘સંતોની વચ્ચે રહેવાનું મને સુખ મળ્યું છે. ‘આખા દેશને આકર્ષિત કરવાની તાકાત મારી ગીરની ધીંગી ધરામાં છે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યના દરેક ક્ષેત્રના લોકોના વિકાસ માટે ડબલ એન્જિનની સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે મેં ગુજરાત છોડ્યા પછી અમારી ટીમે જે રીતે રાજ્ય સંભાળ્યું છે, એનાથી રૂડો આનંદ બીજો શો હોઈ શકે? રાજ્યના દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. કુદરતી આપદાઓ સામે પણ ગુજરાતે મક્કમ મુકાબલો કર્યો છે અને પ્રગતિની નવી ઊંચાઈ સર કરી છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે સાગરખેડુઓ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તેમના હસ્તે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સ્યદ્યોગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્ત થયાં છે. વડાપ્રધાન દ્વારા અહીં કરોડો રૂપિયાનાં વિકાસ કામોની જાહેરાત અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.