ગીરઃ થોડા દિવસ પહેલા ગીર-પૂર્વ વન વિસ્તારમાં આવેલા તુલસીશ્યામ રેન્જમાં સિંહણે એક બકરીનું મારણ કરતા, આ બકરીનાં માલિકે સિંહણ પર કુહાડીથી હુમલો કર્યો હતો. સિંહણ પર હુમલા કરવા બદલ વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)ની વિવિધ જોગવાઈઓ હેઠળ યુવકની ધરપકડ કરાઇ હતી અને હાલ તે જેલમાં છે.
ભાજપનાં નેતા દિલીપ સંઘાણી આ યુવકને મળવા માટે જેલમાં પહોંચી ગયા અને સિંહણ પર હુમલો કરવા બદલ આરોપીને શાબાશી પણ આપી અને એવું નિવદેન પણ આપ્યું કે, સરકારે કાયદો બદલવો જોઇએ અને વન્યપ્રાણીઓ જ્યારે લોકો પર હુમલો કરે, ત્યારે વન્યપ્રાણીઓને મારવાની છૂટ આપવી જોઇએ. ભૂતકાળમાં સિંહ સામે લડનારાનાં સન્માનો થતા હતા. આથી, અમે પણ આ યુવકનું ભવિષ્યમાં સન્માન કરીશું.”
દિલીપ સંઘાણી કેટલાય વર્ષોથી વન્યપ્રાણી વિરોધી નિવેદનો આપતા રહ્યા છે અને એમ કહે છે કે, માણસ જીવ બચાવવા માટે સિંહ કે અન્ય વન્યપ્રાણીને મારી નાંખે તો એમા કાંઇ ખોટુ નથી. સરકારે આની મંજુરી આપવી જોઇએ.”
ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા જ, ગીર અભ્યારણ્યની દલખાણીયા રેન્જમાં 23 સિંહોનાં એક સાથે મોત થયા હતા અને સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ પછી 31 સિંહોને સેમરડીમાંથી ઉઠાવી લઇ જેલમાં પુરી દીધા છે. એક સાથે સિંહોનાં મોત પાછળ સરકારે એવું કારણ આપ્યું છે કે, કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી મોત થયા હતા.
એક સાથે એક જ જગ્યાએ, આટલા બધા સિંહોનાં મોત બાદ સરકારે ગેરકાયદેસર થતા લાયન શો બંધ કરાવવા માટે પ્રક્રિયા હાથ ધરી અને સાસણની આસપાસ આવેલા ગેરકાયદેસર હોટેલો અને ગેસ્ટહાઉસોને સીલ મારી દીધા છે.
ત્યારે ભાજપના જ એક નેતાએ આ પ્રકારનું નિવેદન આપતા ચકચાર વ્યાપી ગઈ છે.