ગુજરાતઃ દિગ્વિજયસિંહનું નર્મદા પરિક્રમા દરમિયાન નર્મદામાં આગમન

રાજપીપળા– નર્મદા પરિક્રમા કરવાનો અનોખો મહિમા રહેલો છે. ત્યારે રાજકીય ક્ષેત્રમાં દિગ્ગીરાજાના નામથી જાણીતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના બે વાર મુખ્યપ્રધાન રહી ચૂકેલા દિગ્વિજયસિંહ પોતાની પત્ની અને 400 લોકોના કાફલા સાથે ગત માર્ચ માસથી મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા પરિક્રમનો પ્રારંભ કર્યો હતો. 1400 કિમીની આ નર્મદા પરિક્રમા દરમિયાન બુધવારે તેઓ નર્મદા જિલ્લામાં આવી પહોંચ્યાં હતાં.અને ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણીના જંગલોમાંથી પસાર થઈ રહ્યાં હતાં.વધુમાં તેઓ બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ નર્મદા જિલ્લામાં રાત્રિ રોકાણ કરશે.ઝરવાણીના જંગલોમાંથી પસાર થતી વેળાએ તેમણે જણાવ્યું હતું કે મને મારા ગુરુજીની પ્રેરણા થઈ એટલે આ પરિક્રમા ચાલુ કરી છે. હાલ હું અનોખો અનુભવ કરી રહ્યો છું. આ પહેલાં હું ગૌવર્ધન પર્વતની પરિક્રમા કરી ચૂક્યો છું. તો ગુજરાતના રાજકારણ અને ચૂંટણી બાબતે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા સારી છે.આગામી 18મી તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તો નર્મદા પરિક્રમા દરમિયાન લૂંટ અવશ્ય થાય છે એવી માન્યતા અંગે જણાવ્યું હતું કે પહેલાં નર્મદા બંધ ના હોવાને કારણે લૂંટ થતી હતી. પરંતુ હવે આદિવાસીઓ સમજુ થયાં છે,પગભર થયાં છે.તેમની પત્ની અનિતાસિંહે જણાવ્યું હતું કે આ એક અનોખો અનુભવ છે.અમે અત્યાર સુધી 925 કીમી ચાલ્યાં છીએ, પરંતુ એ માટે જાત અનુભવ કરવો પડે અને આથી અનોખી શક્તિ મળે છે.