કચ્છની ધરા ફરી ધ્રુજી, રાપર નજીક 3.3 તીવ્રતાનો આવ્યો આંચકો

કચ્છ: ગુજરાતના કચ્છની ધરા ફરી એક વખત ધણધણી છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપના પર્યાય બની ચૂકેલા સરહદી કચ્છ પંથકમાં ધરતીકંપના આંચકનો સિલસિલો સતત યથાવત્ જોવા મળી રહ્યો છે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર આજે સવારે 10.5 મિનિટે વાગડના મુખ્ય મથક રાપર થી 12 કિમિ દૂર પશ્વિમ દક્ષિણ દિશાએ આવેલા પગી વાંઢ નજીક 3.3 ની તીવ્રતા નો આફ્ટરસોક ગાંધીનગર સ્થિત સિસમોગ્રાફી રિસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો. જોકે આંચકાની અસર માધ્યમ કક્ષાની હોવાથી ખાસ કોઈ અસર વર્તાઈ ના હતી. પરંતુ વર્તમાન માસ દરમિયાન વાગડ વિસ્તારની ધરા ભૂકંપના આંચકાથી સતત પાંચ વખત ધ્રુજી હોવાનું અંકિત થયું છે.

કચ્છમાં અવારનાવાર ધરતીકંપના આંચકાથી લોકમાં ભયનો માહોલ છવાયેલો રહેતો હોય છે. જ્યારે અગાઉની વાત કરીએ તો ગત તારીખ 17ના રોજ ભચાઉ નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ઉપરાંત તારીખ 13ના દુધઈ નજીક પણ 2.5ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. તો તારીખના 2ના ભચાઉ પાસે 3.3ની તીવ્રતા તારીખ 1ના રોજ રાપરથી 20 કિમિ દુર ભૂકંપ નોંધાયો હતો. આપને જણાવી દઈએ કે, કચ્છમાં ભૂકંપના આંચકાનું કારણ ત્યાં રહેલી ફોલ્ટ લાઇન છે. કચ્છમાં 6 ફોલ્ટલાઇન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ MCT નામની ફોલ્ટલાઇન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે જેની પરોક્ષ અસર ત્યાં થતા ભૂસ્ખલનમાં જોવા મળે છે.