મહેસાણા જિલ્લામાં ગત રાતના એસ.ટી બસની છતા તૂટી પડતા એકનું મોત નિપજ્યું હતું. મહેસાણાના કડિ તાલુકામાં દેવુસણા ગામે ગત રાત્રિના વાવોલ ગામના યુવકનું સાસરુ દેવુસણા ગામે હોવાથી પોતાની સાસરીમાં આવ્યો હતો અને રાત્રી દરમિયાન તેનું મોત થયું હતું. ગાંધીનગરના વાવોલ ગામના બાદલ દંતાણી જેઓ છૂટક કામ કરી પરિવારમાં રહેતા હતા. જ્યાં તેઓ ગઈકાલે પોતાની સાસરી કડી તાલુકાના દેવુસાણા ગામે તેમની પત્નીને તેડવા માટે આવ્યા હતા. મોડી રાત્રે તેઓ તેમની સાસરીમાંથી દેવુસણા ગામે આવેલ બસ સ્ટેન્ડમાં બેસવા માટે આવ્યા હતા. જ્યાં અચાનક જ ધડાકાભેર બસ સ્ટેન્ડની છત તૂટી પડી હતી અને જમાઈની માથે પડી હતી.
કડી તાલુકાના દેવસણા સાસરીમાં પત્નીને તેડવા માટે આવેલા જમાઈનું કરુણ મોત થયું હતું. કડી પંથકની અંદર છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. ગત રાત્રે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બાદલભાઈ દંતાણી બસ સ્ટેન્ડની અંદર બેઠા હતા. જર્જરિત બસ સ્ટેન્ડની છત યુવક ઉપર પડતા તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જ્યારે સવારે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ પાન પાર્લરની દુકાન ચલાવતા માલિક આવીને જોયું તો યુવક દટાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યાં ગ્રામજનોને જાણ કરવામાં આવતા તલાટી, સરપંચ અને પોલીસ સહીતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. યુવકનું કરુણ મોત થતા પરિવારમાં શોક પસરી ગયો હતો.