સુરતઃ રાજ્યમાં છ મહાનગપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે, પરંતુ સુરતમાં આમ આદમી પાર્ટીએ પહેલી વાર પ્રવેશીને શાનદાર દેખાવ કર્યો છે અને અહીં કોંગ્રેસનો સફાયો થયો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ ‘આપ’ના દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે ભવ્ય રોડ-શોનું આયોજન કર્યું હતું આપને મળેલી 27 બેઠકથી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સુરતની પ્રજાનો આભાર માનવા દિલ્હીથી આવ્યા હતા. તેમણે સુરતમાં રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ રોડ-શો સારો રહેશે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
સુરતમાં અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યકરો સાથે બેઠક કરીને તેમને પૂરી તાકાતથી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો સાથે કેજરીવાલે વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટીનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કેજરીવાલે પાટીદાર આગેવાનો સાથે વાત કરી હતી અને તેમનો આભાર માન્યો હતો.
વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. જેથી પાટીદાર આંદોલન જેવો માહોલ સર્જાયો છે અને આખું વરાછા ચક્કાજામ થઈ ગયું છે. કેજરીવાલ સાંજે 7:00 કલાકે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નીકળી જશે.